સ્નેહનું પાણી શૂરનું પાણી, પોતના પ્રચંડ પૂરનું પાણી, હસતું રમતું રણમાં દીઠું, સત અને સિન્દૂરનું પાણી, વાહ રે ‘ઘાયલ’ કચ્છનું પાણી ! - અમૃત ઘાયલ અમૃત ઘાયલે લખેલી ઉપરની પંક્તિઓ કચ્છના પાણી ની વાત કરે છે. અહિયાં પાણી એટલે 'ખમીર' ની વાત છે. એવાં જ એક ખમીરવંત કચ્છી એટલે શ્રી જુવાનસિંહ જાડેજા. યુવાન વયે પી.એસ.આઈ તરીકે પોલીસખાતામાં જોડાઈને ડેપ્યુટી કમિશનર - ડી.એસ.પી તરીકે નિવૃત થનાર પહેલાં કચ્છી. અને એમની સાહસિક કારકિર્દી ગાથાનું વર્ણન એમણે 'હૈયું, કટારી અને હાથ'માં કર્યું છે. સળંગ બે દિવસ વાંચીને પૂરું કરી નાખ્યું એટલું રસપ્રદ એમનું લખાણ છે. આ ગાથાનું સંકલન એમના પત્ની શ્રી અરુણા જાડેજાએ કર્યું છે - જેમની કૃતિઓ મેં ' જનકલ્યાણ ' અને 'પથ અને પ્રકાશ'માં અગાઉ ઘણી વાર વાંચેલી . પુસ્તક વાંચીને અને એમની નીડરતા, આત્મવિશ્વાસ અને મનોબળની વાતો સાંભળીને દરેક વાચક ને એમને સલામ કરવાની ઈચ્છા થઇ આવે. આજે જ્યારે ઠેર ઠેર પોલીસખાતાને વગોવાય છે ત્યારે આ પુસ્તક વાંચીને દરેક ને ખબર પડશે કે પોલીસને વાગોવવી સહેલી છે પણ એ લોકો જે પ્રકારનું કામ કરે છે, જે પરિસ્