Wednesday, November 14, 2018

નવાજુની - 8

  • ઘણાં વખત પછી નવાજુની વાળી પોસ્ટ આજે લખી રહ્યો છું.
  • શિયાળો ચાલું થઇ ગયો છે. અને દર શિયાળે જેમ ફિટ (fit) રેહવાનું અમને શુરાતન ઉપડે છે એમ આ વર્ષે પણ ઉપડ્યું છે. જોકે એમ તો શ્રાવણ-ભાદરવાથી જ આ શુરાતન ની શરૂઆત થઇ ગઈ હતી.
  • પરિણામે દોડવાનું ચાલું કર્યું છે. (એ વાત અલગ છે કે દોડવાને બદલે ચાલવાનું વધારે બને છે. કારણ: સિમ્પલ, હાંફી જવાય છે. ;-)
  • સાથે સાથે થોડી સ્ટ્રેચિંગ અને બીજી કસરતો પણ શરુ કરી છે. 
  • ગોલ (goal) છે કે 5 km દોડી શકાય એટલે હાલ પૂરતા ગંગા નાહ્યા. 
  • બાકી વાંચવામાં તો એવું છે કે ત્રણેક મહિના થી આપણે ગાંધીનગર ની સરકારી લાયબ્રેરીના આજીવન સભ્ય બન્યા છીએ અને 2-3 પુસ્તકો ઘરે લાવી વાંચ્યા છે. (૧. The Palace of Illusions ૨. Curfewed Night ૩. અકૂપાર (હાલ વાંચી રહ્યો છું.))
  • એમાં પાછી વચ્ચે આપણે ચેતન ભગતની The Girl in Room 105 પણ વાંચી નાખી.પેલું કહે છેને :નવરા બેઠા નખ્ખોદ વાળે 
  • બાળકો હમણાં અહિયાં સાથે નથી એટલે વાંચવાનો અને દોડવા જવાનો સમય મળી રહે છે. અહિયાં આવે પછી જોઈએ કેટલે પહોચી વળાય છે.
  • અમદાવાદ નેશનલ બૂક ફેર આવી રહ્યો છે - ૨૪ નવેમ્બરથી. આ વર્ષે મે (May) મહિના ને બદલે શિયાળામાં રાખ્યો છે. કારણ: વીજળીનું બીલ ઓછું આવે (આવું મેં FM રેડીઓ પર સાંભળેલું)
  • અને હા, સાલ-મુબારક

Saturday, September 1, 2018

ધ લાસ્ટ લેકચર - રેન્ડી પઉશ : મરતા પહેલાં આપેલું અદ્ભુત જ્ઞાન

ધારો કે તમારી પાસે જીવનના ફક્ત છ મહિના છે. તમે એવા કોઈ રોગથી પીડાઓ છો જેનો ઈલાજ શક્ય નથી અને હવે બાકી રહેલાં જીવનમાં તમારે ઘણું બધું કરવાનું છે, માણવાનું છે અને ખાસ તો તમારા બાળકોને ઘણું બધું કહેવાનું છે - જેથી તે મોટા થઈને યાદ કરી શકે અને તમારા વિચારો જાણે.

હમણાં મેં એક પુસ્તક વાંચ્યું : ધ લાસ્ટ લેકચર જેના લેખક છે રેન્ડી પઉશ - જે અમેરિકાની પ્રખ્યાત કાર્નીગી મેલન યુનીવર્સીટીમાં પ્રોફેસર હતાં. તેમણે આ પુસ્તક તેમના છેલ્લા દિવસોમાં લખેલું - ઇન ફેક્ટ - એમણે આ વિષે લેકચર પણ આપેલું.

પુસ્તક વાંચતી વખતે મને ગમેલા મુદ્દાઓ અહી પ્રસ્તુત કરું છું :

૧. જો હું પેઈન્ટર હોત, તો મેં (મરણ) પહેલાં કંઇક પેઈન્ટ કર્યું હોત. જો હું મ્યુઝીશિયન હોત તો મેં કંઇક મ્યુઝીક બનાવ્યું હોત. પણ હું લેકચરર છું, એટલે મેં લેકચર આપ્યું.

૨. એન્જીનીયરીંગ એ કોઈ પણ પ્રોબ્લેમ નો સંપૂર્ણ ઉકેલ વિષે નથી. તે તો માર્યાદિત સ્ત્રોતો સાથે તમે કઈ રીતે ઉત્તમ ઉકેલ આપી શકો છો તેના વિષે છે.

૩. જો આ તમારો છેલ્લો ચાન્સ હોય, તો તમે દુનિયાને શું જ્ઞાન આપશો ?

૪. મને એમ હતું કે દુનિયામાં બે પ્રકાના પરિવારો જ હશે :
     (૧) જેમને શબ્દકોષ (ડીક્ષનરી) વાંચ્યા પછી જ રાતનું જમવાનું મળે
     (૨) જેમને (કંઈ) વાંચ્યા વગર જ જમવાનું મળે.
     અમે પહેલાં પ્રકારમાં આવતા હતા.
     //આજે મોબાઈલ અને ટી.વી. નો જે રાફળો ફાટ્યો છે; તે સમજે આ મુદ્દો ખાસ વિચારવો. લેખક નાના હતાં ત્યારે તેમના માં-બાપએ રાતે જમતાં પહેલાં શબ્દકોષમાં થી નવા શબ્દો શીખવાની ટેવ પાડેલી. ટૂંકમાં રાતે જમવાનું તો જ મળે જો તમે કંઇક વાંચો ! આજે પરિવારોની તાતી જરૂરીયાત છે જે બાળકોમાં નાનપણથી જ આવી ટેવ પાડે. 

૫. અમારા ઘરની વૃત્તિ પાડાની જેમ આળસું બનીને (સોફા) પર બેસી રહેવાની ન હતી. અમે વધું સારી રીતે જાણતા હતા : જ્ઞાનકોષ (એન્સાઈક્લોપીડિયા) ખોલો. શબ્દકોષ ખોલો. તમારા મગજને ખોલો.

૬. કોઈ (સારા) કારણ માટે વાર્તાઓ કહેવી જોઈએ 
     //લેખક કહે છે કે મારા પિતા અદ્ભુત વાર્તાઓ કહેતાં અને એ વાર્તાઓ હમેશ રમુજી ટુચકાઓ ભરેલી રહેતી. જે વાસ્તવમાં અમને નૈતિકતાના પાઠ ભણાવતી.

૭. બાળકોએ એ જાણવું ખુબ જ જરૂરી છે કે તેમના માતા-પિતા તેમણે ખુબ જ પ્રેમ કરે છે અને કરતાં રહેશે. અને તે માટે માતા-પિતાને જીવંત રહેવાની જરૂર નથી. 

૮. દરેક બાબતમાં (ખાસ કરીને વિજ્ઞાન, ટેકનોલોજીના વિદ્યાર્થીઓ એ) મૂળભૂત સિદ્ધાંતો સમજવા જરૂરી છે; બાકી તો બીજું ફક્ત ફેન્સી વાતો જ છે. 

૯. જયારે તમે હદ બહાર વર્તી રહ્યા હોય અને તે છતાં પણ જો તમને કોઈ કંઈ કહેવાની તસ્દી પણ ન લેતું હોય, ત્યારે સમજી લેવું કે તેમણે તમારા નામનું "નાહી નાખ્યું" છે. ત્યાંથી હટી જવું જ વધારે યોગ્ય છે. 

૧૦. આજકાલ બાળકોને સ્વાભિમાન આપવા વિષે ઘણું ચર્ચાય રહ્યું છે. સ્વાભિમાન કોઈને આપી શકાતું નથી; તે તો જાતે કેળવવું પડે. 

૧૧. જયારે આપણે બાળકોને ટીમ સ્પોર્ટ્સ (સંગઠિત રમતો) જેવી કે ફૂટબોલ, ક્રિકેટ, સ્વીમીંગ, વગેરે - રમવા માટે મોકલીએ છીએ - ત્યારે મોટાભાગના લોકો એટલા માટે નથી મોકલતાં કે બાળક રમતમાં ચેમ્પિયન બને. આપણે તેમણે જે શીખવવા માંગીએ છીએ તે વધું મહત્વનું છે : ટીમ વર્ક, નિષ્ઠા, ખેલદિલી, સખત મહેનતનું મુલ્ય અને પ્રતિકુળતાનો સામનો કરવાની ક્ષમતા. આ એક પ્રકારનું પરોક્ષ શિક્ષણ (ઇનડાયરેકટ લર્નિંગ) છે. 

૧૨. મારા માતા-પિતા ખુબ જ કરકસરિયા હતા (મિતવ્યયી). જે ઘણાં ખરા અમેરીકનોથી વિપરીત હતાં. તે અન્ય લોકોને પ્રભાવિત કરવા કે પોતાના વૈભવ માટે કશું પણ ખરીદી ન કરતાં. પણ અમારા માટે તેઓ રાજીખુશીથી અમને વર્લ્ડ બૂક (મોટું દળદાર પુસ્તક) ખરીદી આપતા; જે એ સમયે રજવાડી ખર્ચ ગણાતો; કારણ કે આમ કરવાથી તેઓ મને અને મારી બહેનને જ્ઞાનની ભેટ આપી રહ્યા હતા. 

૧૩. મારા પિતા એક વચન-પાલક પિતા હતા. 

૧૪. જો, હું ખુશ રહેવાનો રસ્તો શોધી કાઢીશ, પણ મને તારી સાથે ખુશ રહેવું વધારે ગમશે. પણ જો હું તારી સાથે ખુશ નહિ રહું, તો હું તારા વગર ખુશ રહેવાનો રસ્તો શોધીશ.
     //લેખક જયારે જવાનીમાં તેમના (થનાર) પત્નીને મનાવી રહ્યા હતાં ત્યારનો સંવાદ.

૧૫. અડચણો કંઇક કારણ માટે હોય છે. તે તમને કંઇક કરી બતાવવાનો મોકો આપે છે. 

૧૬. મારા માતા-પિતાએ મને શીખવેલું કે ઓટોમોબાઈલ્સ (ગાડી, સ્કુટર) તમને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઇ જવા માટે છે. તે જરૂરિયાતનું સાધન છે, સામાજિક દેખાડો કરવાનું નહિ..... મારી એ પણ માન્યતા છે કે આવા સાધનો જો તેમનું નિર્ધારિત કાર્ય કરતાં હોય તો તેમને નાની-મોટી તોડફોડમાં રીપેર કરવાની જરૂર નથી.

૧૭. સમગ્ર અગ્નિપરીક્ષા દરમિયાન, મને નથી લાગતું કે અમે (લેખક અને તેમના પત્ની) ક્યારેય એકબીજાને કહ્યું હોય : "આ યોગ્ય નથી; આપણી સાથે અન્યાય છે." અમે ફક્ત પ્રવાહ સાથે વહેતાં ગયા અને મુશ્કેલીનો સામનો કરતાં ગયા. અને એ બધી જ વસ્તુઓ કરી જે અમને હકારાત્મક પરિણામ આપી શકતા હતા. નિરાશ થયા વગર, અમારું વલણ જીવનના પ્રવાહમાં વહેવાનું હતું.

૧૮. મારા પિતા ઓફિસથી આવ્યા પછી કોઈ વાર નાનું રમકડું કે ચોકલેટ લાવતાં, અને એ ખુબ જ ઉત્સાહ અને જોશ સાથે અમારી સામે રજૂ કરતાં, જાણે કોઈ જાદુગરનો ખેલ કરતાં હોય. તેમની આ રજૂ કરવાની રીત અમને ઘણીવાર લાવેલી વસ્તુ કરતાં વધારે આનંદ આપતી.

૧૯. પૈસાની જેમ સમયને પણ સ્પષ્ટ રીતે સંચાલિત કરવો જોઈએ. 

૨૦. પોતાને પૂછો - શું તમે તમારો સમય યોગ્ય વસ્તુઓ પાછળ ખર્ચી રહ્યા છો ?

૨૧. સમય કાઢો. એ વેકેશન વેકેશન નથી જેમાં તમે આવેલા ઈમેઈલને વાંચી / રીપ્લાય કરી રહ્યા હોય કે ફોન પર લાગેલા હોવ.

૨૨. જે છે તે સમય જ છે તમારી પાસે. અને એક દિવસ તમને એવો અહેસાસ થશે કે તમે ધારો છો તેના કરતાં પણ ઓછો સમય હશે. 

૨૩. આપણે ખુદને ફક્ત એક જ વસ્તું સુધારી શકે છે - તે છે આપણે ખરેખર આપણું મૂલ્યાંકન કરવાની ક્ષમતા નો વિકાસ કરીએ. જો આપણે તે ચોક્કર પણે ન કરી શકીએ, તો આપણે કઈ રીતે કહી શકીએ કે આપણે સુધરી રહ્યા છીએ કે ખરાબ થઇ રહ્યા છીએ /

૨૪. મારે એવા લોકોની ટીમ જોઈએ છીએ કે જે ફક્ત સ્માર્ટ જ ન હોય, કારણ કે સ્માર્ટ તો અહિયાં બધા જ છે, પણ એ બધા સાથે હળીમળીને એકબીજાને ખુશ રાખીને કામ કરી શકે.

૨૫. જે દિવસે નીલ આર્મસ્ટ્રોંગએ ચંદ્ર પર પગ મુક્યો તારે મારા પિતાએ એ ક્ષણનો ટી.વી. પરના પ્રસારનો ફોટો પાડીને સાચવી રાખેલો કારણ કે હું ઘરે નહોતો. તેમણે એ ક્ષણ મારા માટે સાચવી રાખી કારણ કે તેમણે ખ્યાલ હતો કે તે (ક્ષણ) મોટા સપનાઓ ને ટ્રીગર કરવામાં મદદ કરી શકે છે. (સ્ક્રેપ્બૂકમાં) મારી પાસે હજું પણ તે ફોટો છે. 

૨૬. પોતાને સપના સેવવાની પરવાનગી આપો. તમારા બાળકોના સપનાને પણ ઇંધણ આપો; ભલે તેના માટે કદાચ તમારે અને બાળકોએ સાથે મળીને કોઈવાર ઉજાગરો વેઠવો પડે. 

૨૭. ફેશન એ ફક્ત પૈસા કમાવાનો ધંધો છે. નવા કપડાં ત્યારે જ લેવા જોઈએ જયારે જુના ફાટી જાય. 

૨૮. સમય જતાં અને જીવનએ આપેલી મુદત પૂરી થતાં, શરણાગતિ સ્વીકારવી તે વધારે યોગ્ય છે. ખોટી ફરિયાદ કરવાથી કંઈ વળતું નથી. આપણા બધાં પાસે સમય અને શક્તિ માર્યાદિત છે; એટલે રોદણાં રોવાથી કંઈ હાંસલ થતું નથી. 

૨૯. (લેખક પોતાની દીકરી ને):
     (૧) હું ઈચ્છું છું કે મારી દીકરી એ વાત જાણતાં મોટી થાય કે તેના પ્રેમમાં પાડવાવાળો સહુથી પહેલો પુરુષ હું છું.
     (૨) મને આ સમજતાં ઘણો સમય લાગ્યો પણ મેં આખરે શોધી કાઢ્યું : જયારે કોઈ પુરુષ તારામાં રોમેન્ટીકલી રસ લે ત્યારે તે જે કહે છે તે બધું જ અવગણી ફક્ત તે જે કંઈ કરે છે તેના પર ધ્યાન આપજે. 

૩૦. આશા અને વાસ્તવિકતા વચ્ચે તંદુરસ્ત સંતુલન હોવું જોઈએ.

૩૧. અમારા ઘરમાં એક નિયમ એ છે કે તમે એક શબ્દના પ્રશ્નો ન પૂછી શકો જેવા કે 'કેમ?', 'ક્યાં', વગેરે. મારા પુત્ર ડાયલેનને આ આઈડિયા ખુબ જ ગમ્યો છે. તે હંમેશા પુરા વાક્યોમાં પ્રશ્નો પૂછે છે અને તેથી તેની કુતુહલવૃત્તિનો ખુબ જ વિકાસ થઇ રહ્યો છે. 

૩૨. મારા બાળકો માટે મારા સપના અત્યંત ચોક્કસ છે: હું ઈચ્છું ચુ કે તેઓ પરિપૂર્ણતા તરફ પોતાનો માર્ગ જાતે શોધે.

૩૩. બાળકો, હું તમને શું બનાવવા માંગતો હતો તે શોધવાનો પ્રયાસ કરશો નહિ. તમારી ઈચ્છા તે જ મારી ઈચ્છા સમજવી.

૩૪. તમે તમારા સપના કંઈ રીતે હાંસલ કરો છો તે અગત્યનું નથી. તમે તમારું જીવન કંઈ રીતે જીવો છો તે મહત્વનું છે. જો તમે તમારું જીવન યોગ્ય રીતે જીવશો, તો કર્મ બાકીનું સંભાળી લેશે.  

રેન્ડી પઉશ - ધ લાસ્ટ લેકચર


Thursday, May 3, 2018

મારા વ્હાલા બાળકોને - ૧

આજથી એક મહિના પહેલાં - એટલે કે ૩જી એપ્રિલ ૨૦૧૮ ના રાત્રે ૧૨:૫૭ અને ૧૨:૫૮ એ તમારો જન્મ થયો. ૧૨:૫૭એ રુદ્રરાજનો અને ૧૨:૫૮એ રીવાંશીનો.

એમ તો હજી તમારે આ દુનિયામાં અવતરવાના સમયને દોઢેક-મહિના ની વાર હતી. પણ ૨જી એપ્રિલના અચાનક તમારા મમ્મીને રાત્રે ૧૧:૩૦ વાગ્યાની આસપાસ દવાખાને અમદાવાદ લઇ જવા પડ્યા અને પછી ૩જી ના તમારો જન્મ થયો. હું અને તમારા નાનીમા લેબર રૂમની બહાર હતા અને અમે તમારો રડવાનો અવાજ સાંભળેલો. અમારી સાથે અમે આપણે જેમના મકાનમાં રહીએ છીએ એ કાપીલામાંસીને પણ લીધેલાં. અને પછી થોડી વારમાં આપળી સામે રેહતા ગોપાલભાઈ અને હર્ષાભાભી પણ આવી ગયેલા.

પણ અધૂરા મહીને જન્મેલા હોવાથી તમને જયારે મને ડોક્ટર્સ એ જોવા બોલાવેલો ત્યારે જણાવેલું કે તમને બંને ને NICU માં ખસેડવા પડશે અને રુદ્રરાજને થોડી વધારે તકલીફ હોવાથી એને સ્ટર્લીંગ હોસ્પિટલ લઇ જવો પડશે. આમ હું અને ગોપાલભાઈ તરત ડોક્ટર્સની એમ્બુલન્સ પાછળ ગોપાલભાઈની ગાડીમાં ભાગ્યા. રીવાંશીને ડોક્ટરની નવરંગપુરા વાળી હોસ્પીટલમાં ઉતારી બીજા ડોક્ટર્સ રુદ્રરાજને લઈને તરત સ્ટર્લીંગમાં ગયા.

સ્ટર્લીંગમાં ખાસ્સી વાર સુધી CT Scan ચાલ્યું. રુદ્રરાજ, ત્યારે હું તારી પાસે CT Scan રૂમમાં જ હતો. તું સચ્ચે, એક ખુબ બહાદુર અને સહનશીલ દીકરો છે. તને શ્વાસ લેવામાં ઘણી તકલીફ હોવા છતાં તું હિંમત હાર્યા વગર હાથ-પગ ઉલાળતો રહ્યો. મારાથી તારું દર્દ ન જોવાતું હોવા છતાં મને તારા પર એ વખતે ખુબ જ ગર્વ થયો. અંતે ડોક્ટર્સને બહું સ્પષ્ટતા ન થઇ અને તને સ્ટર્લીંગના NICU માં મૂકી ને મને કહ્યું કે હવે તમારે તરત અમારી સાથે રીવાંશીને જ્યાં રાખી છે ત્યાં આવવું પડશે કારણ કે એને પણ શ્વાસ લેવામાં થોડી તકલીફ હતી. ગોપાલભાઈ સ્ટર્લીંગની બધી પ્રોસેસ કરવા રોકાયા અને હું ડોક્ટર્સ સાથે જ એમની ગાડીમાં નવરંગપુરા આવવા નીકળી પડ્યો.

રીવાંશીને જોઈ ત્યારે એ થોડા-ઘણાં અંશે તકલીફ મુક્ત હતી અને આરામમાં હતી. એટલી વારમાં ગોપાલભાઈ પણ ત્યાં આવી ગયા અને અમે તમારી મમ્મીને જ્યાં રાખી ત્યાં આવ્યા. ત્યાં સુધીમાં તમારા દાદા-દાદી-ચાચું (યશદીપ) આવી ગયા અને બીજી બાજુ તમારા નાનાબાપુ પણ આવી ગયા.

તમારી મમ્મી તમારી ચિંતા કરતી અડધી થઇ ગઈ હતી. એક તો એમ પણ એમણે તમને જોયા નો'તા કારણ કે તમને તરત NICU ખસેડવા પડે એમ જ હતા. તમારી મમ્મીએ ખાલી તમારો અવાજ જ સાંભળેલો, જોયા નો'તા એટલે વધારે ચિંતિત હતી.

સવાર સુધી અમે બધા જગ્યા અને પછી સવારે ૧૦ વાગ્યાની આસપાસ ડોક્ટરની હોસ્પિટલ પહોચ્યાં અને બંનેની તબિયત વિષે પૂછ્યું. ડોક્ટરને રુદ્રરજની ચિંતા વધારે હતી. રીવાંશી બાકી બધી રીતે નોર્મલ હતી. અને ગઈકાલથી રાતનો મારા ગળામાં ભરાયેલો ડૂમો અચાનક ડોક્ટરની કેબીનમાં બહાર ઠલવાયો. હું ખુબ રડ્યો.

એ પછીના દિવસો ઘણાં કપરા રહ્યા. રુદ્રજની એન્ડોસ્કોપી પણ થઇ. એ ૬-૭ દિવસ સ્ટર્લીંગમાં રહીને પછી એની બહેન રીવાંશી પાસે ડોક્ટરની પોતાની હોસ્પીટલમાં આવ્યો. આજે એક મહિનો થયો. તમે બંને હજી ત્યાં હોસ્પિટલમાં જ છો. સ્વસ્થ થઈને જલ્દી ઘરે આવો એવી પ્રાર્થના રોજ બધા કરીએ છીએ.

તમારા બંનેની હિમ્મતને મારે દાદ આપવી પડે. રોજ રોજ તમને ઇન્જેક્શન આપવા પડે છે. અને ત્યારે તમને છાના રાખવા અમે તમારી સાથે પણ નથી હોતા એનું અમને દુઃખ છે. વર્ષો પહેલાં મેં લખેલી એક કવિતા યાદ આવે છે.

તમારા નામ કેવી રીતે પડ્યા?

તમારી રાશી છે તુલા. જેના અક્ષર આવે "ર" અને "ત". તમારી રાશી જયારે મને ખબર પડી ત્યારે તો તમારા નામ વિષે વિચારવાની અમારી શક્તિ કે હાલત જ નો'તી. જ્યાં ડોક્ટર ખુદ તમારી ચિંતા કાર્ય હોય ત્યાં તમારા નામ તો કઈ રીતે અમારાથી વિચારાય? પણ એ વખતે હું શંકર ભગવાન ને ખુબ પ્રાર્થના કરવા લાગેલો અને મોબાઈલમાં પણ કઈક શંકર ભગવાન વિષે વાંચતો હતો અને મારી નજર "રુદ્ર" શબ્દ પર પડી. અને એજ ક્ષણે મેં નક્કી કરેલું કે હું રુદ્રરાજ કે રુદ્રદેવ એવું નામ પડીશ.અને પછી એટલે તારું નામ રાખ્યું "રુદ્રરાજસિંહ"

રીવાંશીના નામ પાછળ અમે બધાયે ઘણું વિચાર્યું. ઘણા નામ જોયા. પણ બધાને રીવા ગમતું હતું. મને પણ રીવા ગમતું હતું કારણ કે મારા પ્રિય સાહિત્યકારોમાં ના એક એવા સ્વ. ચંદ્રકાંત બક્ષીએ પણ એમની દીકરીનું નામ રીવા પાડેલું. પણ પછી આપણામાં દીકરીના નામ પાછળ "બા" લાગે અને રીવાબા મને નો'તું ગમતું. એટલે પછી રીવાંશી પાડ્યું. એમ પણ તમારા મમ્મીને પણ રીવા કરતા રીવાંશી વધારે પસંદ હતું. અને એટલે પછી તમારું નામે રાખ્યું "રીવાંશીબા".

બીજું લખવું ઘણું છે, વાતોય ઘણી કરવી છે, પણ તમારા વગર સાવ લાગણીશૂન્ય થઇ જવાય છે. હવે જલ્દી જલ્દી ઘરે આવી જાઓ એવી પ્રાર્થના સાથે,

લી. તમારા પપ્પા

પોસ્ટ સ્ક્રિપ્ટ : તમારા દરેક જન્મદિવસે આવો એક પત્ર મારા તરફથી આવશે.

Tuesday, October 17, 2017

એ દિવાળી ક્યાં ગઈ?

ગઈ કાલે રાતે ઉંઘ નો'તી આવતી, એટલે લાઈટ ચાલું કરી કઈક વાંચવા બેઠો. પણ પછી વાંચવાનું પડતું મૂકી, 2-3 દિવસ પહેલાં દિવાળી પર કવિતા લખવાનું વિચારેલું એ લખવા બેઠો.

મૌજ-મસ્તી ને ઉલ્લાસવાળી એ દિવાળી ક્યાં ગઈ?
જેની વર્ષભર રાહ જોવાતી, એ દિવાળી ક્યાં ગઈ?

અગિયારસથી પડતું વેકેશન, છે.....ક દેવ-દિવાળી સુધી ચાલતું, 
એ રજાઓની મજા વાળી એ દિવાળી ક્યાં ગઈ?

થેલો ભરીને ફટાકડા અને ડબ્બો ભરીને મીઠાઈ,
ધડાકા-ભડાકાની ઝાકમઝોળ અને કાજુ-કતરીની લિજ્જત વાળી એ દિવાળી ક્યાં ગઈ?

રૉકેટ ને બૉમ્બ, કોઠી ને ચક્કર, ને 
હવામાં તારામંડળથી પોતાનું નામ લખતાં, એ દિવાળી ક્યાં ગઈ?

મમ્મીનો પાલવ પકડી કકળાટ નાખવા જવું,
અને વળતા પાછું વળી ન જોવું એવું મમ્મી કહેતી, એ દિવાળી ક્યાં ગઈ?

વર્ષમાં એક વાર લેવાતા નવા કપડાં પહેરી,
હર્ષ સાથે હળતા-મળતા એ દિવાળી ક્યાં ગઈ?

વડીલોના આશીર્વાદ અને સાથે મળતાં સિક્કા,
એ સિક્કાનો ઢગલો કરી સાંજ પડે ગણતાં, એ દિવાળી ક્યાં ગઈ?

કોણ જાણે કેમ, આપણે બદલાયા કે દિવાળી બદલાય ગઈ,
અમાસના અંધકારને તેજોમય બનાવનારી એ દિવાળી ક્યાં ગઈ

- યશપાલસિંહ જાડેજા

Wednesday, September 20, 2017

ये चोंटे भी ना, गज़ब की होती हैं

2 ઓગસ્ટ, ૨૦૧૭ ના સવારમાં નાસ્તો કરતી વખતે મને આવેલ વિચાર. વિચાર હિન્દીમાં આવેલ એટલે હિન્દીમાં લખ્યો છે.

ये चोंटे भी ना, गज़ब की होती हैं. बचपन की हो, तो बड़े हो कर हँसा जाती हैं और बड़प्पन की हो तो ज़िन्दगी भर रुला जाती हैं. 

- यशपालसिंह जडेजा

Friday, September 15, 2017

તું ફરી પાછો આવ્યો, એ મને ગમ્યું

ઘણાં દિવસો પછી આજે ફરી વરસાદ વરસ્યો અને મને તરત નીચેની પંક્તિઓ સ્ફૂરી.

તું ફરી પાછો આવ્યો, એ મને ગમ્યું.
મનમુકીને વરસ્યો, એ મને ગમ્યું.

રેઈનકોટ અને છત્રી અભેરાઈ પર મુક્યા પછી,
આજે તું મને પલાળી ગયો, એ મને ગમ્યું.

વાદળોય ગરજ્યા અને મોરલાય ટહુક્યા,
પણ આજ તું ધરતી ઠારી ગયો, એ મને ગમ્યું.

હે ઈશ્વર! ક્યાંક કોઈની દુઆ સાંભળી,
તું આજ પીગળી ગયો, એ મને ગમ્યું.

તું ફરી પાછો આવ્યો! એ મને ગમ્યું.
ગાજવીજ સાથે આવ્યો, એ મને ગમ્યું.

- યશપાલસિંહ જાડેજા

Thursday, September 14, 2017

अब मैं राशन की कतारों में नज़र आता हूँ - खलील धनतेजवी

अब मैं राशन की कतारों में नज़र आता हूँ
अपने खेतों से बिछड़ने की सजा पाता हूँ

इतनी महंगाई की बाज़ार से कुछ लाता हूँ
अपने बच्चों में उसे बाँट के शर्माता हूँ

अपनी नींदों का लहूं पोंछने की कोशिश में
जागते-जागते थक जाता हूं, सो जाता हूं

कोई चादर समझ के खींच न ले फिर से “खलील”
मैं कफ़न ओढ़ के फूटपाथ पे सो जाता हूँ

खलील धनतेजवी

ખલીલ સાહેબની આ રચના જગજીત સિંહ ના સ્વરમાં સંભાળવા જેવી છે. આ રચના આજના ભોગવાદી અને ખેડૂતોને પાયમાલ કરી નાખનારા સમાજને એક તમાચા સમાન છે. 
 
 
ધનતેજવી સાહેબની ગઝલો જ્યારથી વાંચી છે ત્યારથી મને ગમી છે. અને નસીબજોગે આ વખત ના અમદવાદ નેશનલ બૂક ફેર (તા. ૧-૭ મેં ૨૦૧૭) માં એમને મળવાનું થયું અને એમની સાથે સેલ્ફી લેવાનો પણ અવસર મળ્યો. સાથે સાથે આ વખતના નેશનલ બૂક ફેર માં જલન માતરી સાહેબ, રાજેન્દ્ર શુક્લ સાહેબ, રઘુવીર ચૌધરી સાહેબ અને પત્રકાર દિપક સોલીયાને પણ મળવાનું થયું. 

ખલીલ ધનતેજવી સાહેબ સાથે

રાજેન્દ્ર શુક્લ સાહેબ સાથે

જલન માતરી સાહેબ સાથે
દીપક સોલીયા સાહેબ સાથે

Sunday, September 10, 2017

પુરુષ સમોવડી બનવું એ સ્ત્રીસશક્તીકરણ નથી

આજકાલના કહેવાતા સ્ત્રીસશક્તીકરણ નો હું સખત વિરોધી છું. આવા સ્ત્રીસશક્તીકરણની જરૂર જ નથી. સ્ત્રી સશક્ત જ છે. નમાલા લોકોએ (એમાં "કહેવાતી સશક્ત સ્ત્રીઓ" પણ આવી ગઈ) જ સ્ત્રીઓ ને નીચી દેખાડી ને એમને સશક્તિકરણ ની જરૂર છે એવો "હાઉ" ઉભો કર્યો છે. સ્ત્રી ખુદ એક શક્તિ છે. અને શક્તિ ને સશક્તિકરણની જરૂર ના હોઈ સાહેબ.

મોડર્ન કપડા પહેરવા કે "પુરુષ સમોવડી" બનવું એ સ્ત્રીસશક્તીકરણ નથી. સ્ત્રી સ્ત્રી છે અને પુરુષ પુરુષ છે. બંનેને ભગવાને અલગ બનાવ્યા છે અને એમને અલગ રેહવા દેવામાં જ આપણે કુદરતને ન્યાય આપી શકીએ. ઘરનું કામ-કાજ છોડીને દેખાડો કરવા નોકરી કરવા જવું અથવા તો હોઉસ-વાઈફ કહેવડાવવામાં શરમ અનુભવવી એ અસંખ્ય સ્ત્રીઓનું સ્ત્રીજાત માટેનું અપમાન છે.

શું એક માં કે પત્નીની જવાબદારીને તમે નાની સમજો છો? હું તો એમ કહું છું કે આ જવાબદારી તો એક પ્રધાનમંત્રી કરતા પણ મોટી જવાબદારી છે.

બાળકોને સંસ્કાર આપવા એ પુરુષના હાથની વાત જ નથી. એ એક માં જ આપી શકે. અને એ કામ એક મલ્ટીનેશનલ કંપની ના મેનેજીંગ ડીરેક્ટર કરતા પણ અઘરું કામ છે.

કામ-કાજ પરથી થાકી-હારી ને જયારે પુરુષ ઘરે આવે ત્યારે એક માં કે પત્ની કે બહેન જ એને સંભાળી શકે, સાચવી શકે અને હિંમત આપી શકે. એ કામ સહેલું પણ નથી અને નાનું પણ જરાય નથી. ફક્ત એ બહાર સમાજમાં દેખાતું નથી એટલે આ બધી ઉપાધિઓ શરું થઇ છે.

કહેવાનું ફક્ત એટલું જ કે સ્ત્રીઓ ખુબ શક્તિશાળી હતી, છે અને રહેવાની. જરૂર છે માત્ર એક અલગ અભિગમની અને આવનારી પેઢીમાં સંસ્કાર રેડવાની, સ્ત્રીઓને એમની અસલ જવાબદારીઓ સમજાવવાની અને એ જવાબદારીઓને માન આપવાની.

મોડર્ન થવું કે નોકરી કરવી એ ખરાબ નથી પણ જો પોતાની જવાબદારીઓ પ્રત્યે અણગમો રાખી કે ફક્ત "ટાઈમપાસ" કરવા સ્ત્રી મટીને "પુરુષ સમોવડી" બનવું એ આવનારી પેઢીની પત્તર ખાંડવા સિવાય બીજું કશું જ નથી. કારણ કે આવનારી પેઢીમાં સંસ્કારોનું સિંચન એ ફક્ત ને ફક્ત સ્ત્રીની જવાબદારી જ નહિ પણ અધિકાર છે.

સ્ત્રીઓને જો સાચે જ સશક્ત બનાવવી હોઈ તો એમને યોગ્ય બાળઉછેર, બાળવિકાસ અને સ્વયં-વિકાસ વિષે શીખવો. એમની સાચી મુસીબતોને સમજી એના ઉકેલ માટે પ્રયાસ કરો. નોકરી મેળવવા કે પુરુષને હરાવવા કે પુરુષ-સમોવડી કરવા એમને ભણાવવાની નથી પણ એ સ્વયં પોતાનો, પોતાના સમાજનો અને પરીવારનો વિકાસ કરી શકે એના માટે એને ભણાવવાની છે.  

અને હા છેલ્લે, સ્ત્રીઓ ધારે તો કોઈની તાકાત નથી કે કોઈ એમનું શોષણ કરી શકે. આ તાકાત એક સ્ત્રીમાં જ છે.
  
- યશપાલસિંહ જાડેજા

Sunday, April 2, 2017

में उस सोसायटी की चोली क्या उतारूंगा जो पहलेसे ही नंगी हे ?

સઆદત હસન મંટો. આ નામ મેં ઘણી વાર મોટા ગજાના લેખકો પાસે સાંભળેલું, પણ નસીબ જોગે આજ સુધી એમની વાર્તાઓ નથી વાંચી - એ મારું કમનસીબ. 

પણ આજે દિવ્યભાસ્કરની રસરંગ પુરતીમાં રાજ ગોસ્વામીએ એમની કોલમ "બ્રેકીંગ ન્યુઝ"માં મંટો વિષે જે માહિતી આપી એ ખુબ જ ગમી. અને એ પછી જાણવા મળ્યું કે મંટો પર એક ફિલ્મ નંદિતા દાસ બનાવી રહ્યા છે અને એમાં મંટોનું પાત્ર નાવાઝુદ્દીન સિદ્દીકી નિભાવી રહ્યા છે. સહેજ પણ વિલમ કાર્ય વગર મેં એ ફિલ્મનું ૬ મીનીટનું ટ્રેલર યુટ્યુબ પર જોયું. એઝ યુઝવલ, નાવાઝુદ્દીન ની એક્ટિંગ વખાણવાલાયક છે. 

ટ્રેલર અને પછી દિવ્યભાસ્કરમાં પ્રકાશિત રાજ ગોસ્વામી દ્વારા લખાયેલ લેખ.


મંટો: સફેદ ચોકથી બ્લેક બોર્ડ ઉપર લખાયેલું નામ

સઆદત હસન મંટો (સઆદત એટલે સજ્જન, હસન એટલે સુંદર અને મંટો એટલે વજનદાર)ની ગણતરી એવા કહાનીકારોમાં થાય છે જેણે સમયથી પહેલાં એવી રચનાઓ લખી હતી જેની ગહેરાઇને સમજવાની કોશિશ હજુ પણ જારી છે. ગાલિબ માટે કહેવાય છે કે જેને ગાલિબના શેર આવડતા ન હોય એ ગૂંગો કહેવાય. એવી જ રીતે જેણે મંટો વાંચ્યો ન હોય એ અભણ કહેવાય. 43 વર્ષના ટૂંકા જીવનમાં 22 ટૂંકી વાર્તાઓ, પાંચ રેડિયો નાટક, ત્રણ નિબંધ, પાંચ વ્યક્તિ ચરિત્ર અને બેશુમાર ફિલ્મ પટકથાઓ મૂકી જનાર મંટોને પરંપરા તથા રિવાજથી હટીને રચનાઓ આપનાર લેખક તરીકે દુનિયા જાણે છે.

મંટો જ્યારે લખતો હતો ત્યારે ન તો એને સાહિત્યકાર ગણવામાં આવ્યો હતો કે ન તો ભાષાનો જાણકાર. એની ખાસ્સી અવહેલના થઇ હતી, અને અશ્લીલતા બદલ સરકારે છ વખત (બ્રિટિશ રાજમાં ત્રણ વખત, વિભાજન પછી ત્રણ વખત) એના ઉપર કેસ કર્યો હતો. એના જન્મનાં 100 વર્ષ પછી (જન્મ તારીખ: 11 મે, 1912) મંટો ઉર્દૂ જ નહીં, ભારત અને પાકિસ્તાન જ નહીં પરંતુ વિશ્વ સાહિત્યના ટોચના સર્જકોમાં દક્ષિણ એશિયામાંથી સમાઇ શકે એવા એક માત્ર નામ તરીકે સ્થાપિત થઇ ગયો છે. જીવતે જીવ એની શા માટે અવગણના થઇ તેની અને એની પજવણી થઇ તેની પાછળ સમકાલીન ઉર્દૂ લેખકો કેટલી હદે જવાબદાર હતા એ વિષય ઉપર કોઇએ કંઇ લખ્યું-વિચાર્યું નથી.

એ એક સુંદર અભ્યાસનો વિષય બની શકે છે. છેલ્લાં વીસેક વર્ષમાં મંટોની કદર બહુ થઇ છે અને એના ઉપર ખૂબ લખાય છે, વંચાય છે તથા વિચારાય છે. એનો વિશ્વાસ અને સાહસ જુઓ. મંટો લખે છે, ‘સમયના જે દૌરમાંથી આપણે અત્યારે પસાર થઇ રહ્યા છીએ, એનાથી તમે જો વાકેફ ના હો તો મારી કહાની વાંચો. તમે જો એ કહાનીઓ બર્દાશ્ત ન કરી શકતા હો તો એનો મતલબ એ થયો કે આ સમય પણ બર્દાશ્ત કરવાને કાબિલ નથી. મારામાં જે ખરાબી છે, તે આ વક્તની ખરાબી છે. મારા લખાણમાં કોઇ કમી નથી. જે કમીને મારા માથે મારવામાં આવે છે તે દરઅસલ પ્રવર્તમાન વ્યવસ્થાની કમી છે.

હું બબાલ કરવાવાળો નથી. જે સમાજ નાગો જ છે એનાં કપડાં હું શું ઉતારવાનો હતો. હું એને કપડાં પહેરાવતો નથી, કારણ કે એ મારું કામ નથી.’ લેખકો તો બહુ હોય છે, પણ અમુક જ લેખકો મહાન કેમ થઇ જાય છે? કારણ એ કે જે લખાણ કે વિચાર સમકાલીનતા (પર્સનલ)માંથી નીકળીને સર્વકાલીન (યુનિવર્સલ) બની જાય ત્યારે એ પૂરા સમાજ કે સમયનું સત્ય બની જાય છે. ફ્રેન્ચ નવલકથાકાર માર્સેલ પ્રાઉસ્ટે કહ્યું હતું કે, ‘નવલકથા વાંચવાવાળો દરેક વાચક વાસ્તવમાં પોતાની જ જિંદગી વાંચતો હોય છે.’

એક સાહિત્યિક રચનાનું મહત્ત્વ એની અંદરનાં પાત્રો અને લાગણીઓ પૂરતું મર્યાદિત નથી. એનું મહત્ત્વ એ હકીકતમાં છે કે એને વાંચવાવાળાને એવું લાગે કે આ મારી ભાવનાની વાત છે. મંટો આ દૃષ્ટિએ પર્સનલ સ્પેસમાં યુનિવર્સલ પ્રતિબિંબ ઝીલે છે, અને એટલે જ એની ગણના મહાન અને પ્રાસંગિક લેખકોમાં થાય છે. એટલા માટે જ મંટોના મૃત્યુનાં 60 વર્ષ પછી (મૃત્યુ તારીખ 18 જાન્યુઆરી 1955) એક્ટર-નિર્દેશક નંદિતા દાસ મંટો પર બાયોપિક બનાવી રહી છે, જે મે મહિનામાં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં રજૂ થઇ રહી છે. નવાજુદ્દીન સિદ્દીકી એમાં સઆદત હસન મંટોની ભૂમિકા કરે છે.

નંદિતા દાસે આ ફિલ્મનો છ મિનિટનો વિડિયો રિલીઝ કર્યો છે જેમાં સફેદ કુર્તો-પાયજામો અને આંખ પર ચશ્માં પહેરેલો ‘મંટો’ એક ક્લાસરૂમમાં અભિવ્યક્તિની આઝાદી પર વાત કરી રહ્યો છે. આ ક્લિપમાં નવાજુદ્દીન સિદ્દીકી મંટોના કિરદારમાં સશક્ત તો લાગે જ છે, પરંતુ એથીય મજબૂત તો એનું એ ક્લાસરૂમ ભાષણ છે જે એણે એના તત્કાલીન સમાજમાં એની વ્યક્તિગત ભૂમિકાને લઇને આપ્યું હતું, પરંતુ એની એ વાત આજે 2017માં દેશ અને દુનિયામાં વિચારો અને અભિપ્રાયો સામે જે અસહિષ્ણુતા છે તેમાંય એકદમ પ્રાસંગિક છે.

સામાજિક અન્યાય અને એકાધિકારવાદના વિરોધમાં અને જનતાંત્રિક વ્યવસ્થાના સમર્થનમાં લખી-વિચારીને વિશ્વમાં મશહૂર થઇ જનાર અંગ્રેજ લેખક જ્યોર્જ ઓરવેલે (1903-1950) 1946માં ‘હું શા માટે લખું છું’ નામનો નિબંધ લખ્યો હતો. તેમાં એક સ્થાને ઓરવેલ લખે છે, ‘હું જ્યારે લખવા બેસું છું ત્યારે હું એવું નથી વિચારતો કે ‘હું કોઇ કલા-કૃતિ પ્રગટ કરી રહ્યો છું.’ હું એટલા માટે લખું છું કે મારે કોઇ જૂઠનો પર્દાફાસ કરવો છે, મારે કોઇક હકીકત તરફ (લોકોનું) ધ્યાન ખેંચવું છે. હું એટલા માટે લખું છું કે લોકો મને સાંભળે.’

આ જ્યોર્જ ઓરવેલે નાઇન્ટીન એઇટી ફોર (1984)માં લખ્યું હતું કે, ‘નિષ્પક્ષ સત્યનો સમય પૂરો થયો છે, અને જૂઠ અને અર્ધ સત્યનો ઇતિહાસ લખાશે.’ અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત પછી ઓરવેલની આ ચોપડીનું વેચાણ વધી ગયું છે તે બતાવે છે કે ઓરવેલ કેટલો પ્રાસંગિક છે. મંટોએ, ઓરવેલની જેમ જ, 1948ની આસપાસ ‘મૈં ક્યોં લિખતા હૂં’ નિબંધ લખ્યો હતો. અભિવ્યક્તિનો આ દસ્તાવેજ ત્યારેય કીમતી હતો, આજેય છે અને આવતીકાલે પણ રહેશે. વાંચો મંટો શું કહે છે.

‘હું એટલા માટે લખું છું કે મારે કંઇક કહેવાનું છે. હું લખું છું જેથી હું કમાઇ શકું અને કંઇક કહેવા કાબિલ રહું. સઆદત હસન મંટો ખુદા જેટલો મોટો કહાનીકાર અને શાયર તો નથી, પણ એની લાચારી એને લખાવે છે. ‘હું જાણું છું કે મારી શખ્સિયત બહુ મોટી છે અને ઉર્દૂ સાહિત્યમાં મારું નામ મોટું છે, પણ હકીકત એ પણ છે કે હું મારા મુલકમાં, જેને પાકિસ્તાન કહે છે, હું મારું ઉચિત સ્થાન મેળવી નથી શક્યો. આ કારણથી જ મારો આત્મા બેચેન રહે છે. હું ક્યારેક પાગલખાનામાં અને ક્યારેક ઇસ્પિતાલમાં રહું છું.

‘જે સમાજ ખુદ નાગો હોય એનાં કપડાં હું શું ઉતારવાનો હતો? હા, હું એને કપડાં ચઢાવવાનું કામ પણ નથી કરતો કારણ કે એ મારું કામ નથી. એ કામ દરજીનું છે. મારું કામ સફેદ ચોકથી બ્લેકબોર્ડ ઉપર લખવાનું છે, જેથી એની કાલિમા વધુ સ્પષ્ટ રીતે દેખાય.’ પેલા છ મિનિટના ક્લાસરૂમના વિડિયોમાં એ કાલિમા જોવા જેવી છે. જોજો.

Sunday, March 19, 2017

એટલે જ તારક મહેતા અને ચિનુ મોદી શબ્દસ્થ થયા હશે

આંખના ખૂણે હજી પણ ભેજ છે, આ ગઝલ લખવાનું કારણ એ જ છે. - ચિનુ મોદી
 
ક્યાંક વૈકુંઠમાં હાસ્યરસ અને કાવ્યરસ ની ઉણપ સર્જાય હશે, અને એટલે જ તારક મહેતા અને ચિનુ મોદી શબ્દસ્થ થયા હશે. - યશપાલસિંહ જાડેજા