Thursday, May 3, 2018

મારા વ્હાલા બાળકોને - ૧

આજથી એક મહિના પહેલાં - એટલે કે ૩જી એપ્રિલ ૨૦૧૮ ના રાત્રે ૧૨:૫૭ અને ૧૨:૫૮ એ તમારો જન્મ થયો. ૧૨:૫૭એ રુદ્રરાજનો અને ૧૨:૫૮એ રીવાંશીનો.

એમ તો હજી તમારે આ દુનિયામાં અવતરવાના સમયને દોઢેક-મહિના ની વાર હતી. પણ ૨જી એપ્રિલના અચાનક તમારા મમ્મીને રાત્રે ૧૧:૩૦ વાગ્યાની આસપાસ દવાખાને અમદાવાદ લઇ જવા પડ્યા અને પછી ૩જી ના તમારો જન્મ થયો. હું અને તમારા નાનીમા લેબર રૂમની બહાર હતા અને અમે તમારો રડવાનો અવાજ સાંભળેલો. અમારી સાથે અમે આપણે જેમના મકાનમાં રહીએ છીએ એ કાપીલામાંસીને પણ લીધેલાં. અને પછી થોડી વારમાં આપળી સામે રેહતા ગોપાલભાઈ અને હર્ષાભાભી પણ આવી ગયેલા.

પણ અધૂરા મહીને જન્મેલા હોવાથી તમને જયારે મને ડોક્ટર્સ એ જોવા બોલાવેલો ત્યારે જણાવેલું કે તમને બંને ને NICU માં ખસેડવા પડશે અને રુદ્રરાજને થોડી વધારે તકલીફ હોવાથી એને સ્ટર્લીંગ હોસ્પિટલ લઇ જવો પડશે. આમ હું અને ગોપાલભાઈ તરત ડોક્ટર્સની એમ્બુલન્સ પાછળ ગોપાલભાઈની ગાડીમાં ભાગ્યા. રીવાંશીને ડોક્ટરની નવરંગપુરા વાળી હોસ્પીટલમાં ઉતારી બીજા ડોક્ટર્સ રુદ્રરાજને લઈને તરત સ્ટર્લીંગમાં ગયા.

સ્ટર્લીંગમાં ખાસ્સી વાર સુધી CT Scan ચાલ્યું. રુદ્રરાજ, ત્યારે હું તારી પાસે CT Scan રૂમમાં જ હતો. તું સચ્ચે, એક ખુબ બહાદુર અને સહનશીલ દીકરો છે. તને શ્વાસ લેવામાં ઘણી તકલીફ હોવા છતાં તું હિંમત હાર્યા વગર હાથ-પગ ઉલાળતો રહ્યો. મારાથી તારું દર્દ ન જોવાતું હોવા છતાં મને તારા પર એ વખતે ખુબ જ ગર્વ થયો. અંતે ડોક્ટર્સને બહું સ્પષ્ટતા ન થઇ અને તને સ્ટર્લીંગના NICU માં મૂકી ને મને કહ્યું કે હવે તમારે તરત અમારી સાથે રીવાંશીને જ્યાં રાખી છે ત્યાં આવવું પડશે કારણ કે એને પણ શ્વાસ લેવામાં થોડી તકલીફ હતી. ગોપાલભાઈ સ્ટર્લીંગની બધી પ્રોસેસ કરવા રોકાયા અને હું ડોક્ટર્સ સાથે જ એમની ગાડીમાં નવરંગપુરા આવવા નીકળી પડ્યો.

રીવાંશીને જોઈ ત્યારે એ થોડા-ઘણાં અંશે તકલીફ મુક્ત હતી અને આરામમાં હતી. એટલી વારમાં ગોપાલભાઈ પણ ત્યાં આવી ગયા અને અમે તમારી મમ્મીને જ્યાં રાખી ત્યાં આવ્યા. ત્યાં સુધીમાં તમારા દાદા-દાદી-ચાચું (યશદીપ) આવી ગયા અને બીજી બાજુ તમારા નાનાબાપુ પણ આવી ગયા.

તમારી મમ્મી તમારી ચિંતા કરતી અડધી થઇ ગઈ હતી. એક તો એમ પણ એમણે તમને જોયા નો'તા કારણ કે તમને તરત NICU ખસેડવા પડે એમ જ હતા. તમારી મમ્મીએ ખાલી તમારો અવાજ જ સાંભળેલો, જોયા નો'તા એટલે વધારે ચિંતિત હતી.

સવાર સુધી અમે બધા જગ્યા અને પછી સવારે ૧૦ વાગ્યાની આસપાસ ડોક્ટરની હોસ્પિટલ પહોચ્યાં અને બંનેની તબિયત વિષે પૂછ્યું. ડોક્ટરને રુદ્રરજની ચિંતા વધારે હતી. રીવાંશી બાકી બધી રીતે નોર્મલ હતી. અને ગઈકાલથી રાતનો મારા ગળામાં ભરાયેલો ડૂમો અચાનક ડોક્ટરની કેબીનમાં બહાર ઠલવાયો. હું ખુબ રડ્યો.

એ પછીના દિવસો ઘણાં કપરા રહ્યા. રુદ્રજની એન્ડોસ્કોપી પણ થઇ. એ ૬-૭ દિવસ સ્ટર્લીંગમાં રહીને પછી એની બહેન રીવાંશી પાસે ડોક્ટરની પોતાની હોસ્પીટલમાં આવ્યો. આજે એક મહિનો થયો. તમે બંને હજી ત્યાં હોસ્પિટલમાં જ છો. સ્વસ્થ થઈને જલ્દી ઘરે આવો એવી પ્રાર્થના રોજ બધા કરીએ છીએ.

તમારા બંનેની હિમ્મતને મારે દાદ આપવી પડે. રોજ રોજ તમને ઇન્જેક્શન આપવા પડે છે. અને ત્યારે તમને છાના રાખવા અમે તમારી સાથે પણ નથી હોતા એનું અમને દુઃખ છે. વર્ષો પહેલાં મેં લખેલી એક કવિતા યાદ આવે છે.

તમારા નામ કેવી રીતે પડ્યા?

તમારી રાશી છે તુલા. જેના અક્ષર આવે "ર" અને "ત". તમારી રાશી જયારે મને ખબર પડી ત્યારે તો તમારા નામ વિષે વિચારવાની અમારી શક્તિ કે હાલત જ નો'તી. જ્યાં ડોક્ટર ખુદ તમારી ચિંતા કાર્ય હોય ત્યાં તમારા નામ તો કઈ રીતે અમારાથી વિચારાય? પણ એ વખતે હું શંકર ભગવાન ને ખુબ પ્રાર્થના કરવા લાગેલો અને મોબાઈલમાં પણ કઈક શંકર ભગવાન વિષે વાંચતો હતો અને મારી નજર "રુદ્ર" શબ્દ પર પડી. અને એજ ક્ષણે મેં નક્કી કરેલું કે હું રુદ્રરાજ કે રુદ્રદેવ એવું નામ પડીશ.અને પછી એટલે તારું નામ રાખ્યું "રુદ્રરાજસિંહ"

રીવાંશીના નામ પાછળ અમે બધાયે ઘણું વિચાર્યું. ઘણા નામ જોયા. પણ બધાને રીવા ગમતું હતું. મને પણ રીવા ગમતું હતું કારણ કે મારા પ્રિય સાહિત્યકારોમાં ના એક એવા સ્વ. ચંદ્રકાંત બક્ષીએ પણ એમની દીકરીનું નામ રીવા પાડેલું. પણ પછી આપણામાં દીકરીના નામ પાછળ "બા" લાગે અને રીવાબા મને નો'તું ગમતું. એટલે પછી રીવાંશી પાડ્યું. એમ પણ તમારા મમ્મીને પણ રીવા કરતા રીવાંશી વધારે પસંદ હતું. અને એટલે પછી તમારું નામે રાખ્યું "રીવાંશીબા".

બીજું લખવું ઘણું છે, વાતોય ઘણી કરવી છે, પણ તમારા વગર સાવ લાગણીશૂન્ય થઇ જવાય છે. હવે જલ્દી જલ્દી ઘરે આવી જાઓ એવી પ્રાર્થના સાથે,

લી. તમારા પપ્પા

પોસ્ટ સ્ક્રિપ્ટ : તમારા દરેક જન્મદિવસે આવો એક પત્ર મારા તરફથી આવશે.

મારા વહાલાં બાળકોને - ૫

મારા વાહલા બાળકો, બીલેટેડ હેપ્પી બર્થડે! આ પોસ્ટ તમને ઘણા વખત પહેલાં લખવાની હતી પણ, સમય નો અભાવ અને ખાસ કરીને આળસને લીધે આ પોસ્ટ રહી જ જતી હ...