Sunday, August 18, 2013

પ્રિયજન - વીનેશ અંતાણી

ગઈ કાલે રાતે 'પ્રિયજન' વાંચીને પૂરી કરી. વીનેશ અંતાણી દ્વારા 23મી માર્ચ 1979ની રાતે અઢી વાગ્યે લાખાયને પૂરી કરેલી આ નવલકથા ઘણાં સમયથી મારી પાસે હોવા છતાં વાંચવાની બાકી રહી જતી હતી. અને પરમદિવસે હાથમાં આવતાવેત મેં વાંચવાની શરું કરી અને 2 દિવસમાં પૂરી કરી.

પ્રિયજન માટે રીવ્યુ લખવાની મારામાં ક્ષમતા નથી. હું ફક્ત એટલું જ કહીશ કે જો તમે જીવનમાં કોઈને પ્રેમ કર્યો હોય, કોઈની યાદમાં ઝુર્યાં હોય અથવા જેમ વિનેશભાઈ કહે છે તેમ -

જીવનને ભરપૂર જીવી લીધું હોય,
બધું જ સભર હોય
છતાં પાછલી જિંદગીની એક નમતી સાંજે
એકાદ ચહેરો મનમાં છલકાઈ જાય.
એવું બને ત્યારે પ્રશ્ન થાય
કઈ ક્ષણ સાચી ?
કે પછી બંને જ સાચી ?
જો આવું કઈ પણ તમને થયું હોય તો તમારે આ પુસ્તક જરૂર વાંચવું.

જીવનમાં ઘણીવાર સુખ અને દુઃખ બંને એક સાથે ઘોડા પર બેસીને આવતા હોય છે. પ્રેમનું પણ કંઈક એવું જ છે. જેને પ્રેમ કરતાં હોઈએ એ સાથે હોવા છતાં એને ન પામવાનું દુઃખ માણસના હૃદયને કોતરી ખાતું હોય છે.

મારા મતે પ્રેમના ઘણાં અલગ અલગ પાસાઓ છે. કોઈને પ્રેમ કરવો, કોઈનો પ્રેમ પામવો, જુના પ્રેમને ઈચ્છાથી કે અનિચ્છાથી ભૂલી જઈને કોઈ નવી વ્યક્તિને પ્રેમ કરવો એ બધું જ અલગ છે. દરેક પ્રેમની તીવ્રતા અલગ હોય છે.

જેમ આજના દિવ્યભાસ્કરની પૂર્તિમાં કાંતિ ભટ્ટે લખ્યું છે - Every love story is a potential grief story - આર્થાત દરેક પ્રેમકથા આખરે તો પીડાની કથા બની જવાની છે. પ્રેમ કરો ત્યારે પીડા માટે તૈયાર રહેજો.

પ્રિયજનમાં ચારુ દિવાકરને કહે છે - "દિવાકર ... મનની અંદર પણ એક વિશ્વ હોય છે અને એ વિશ્વમાં કેટલાયે અધૂરા છેડાઓ લટકતા હોય છે. આપણા સમયની બહાર પણ પાછળ રહી ગયેલી ઘટનાઓ હોય છે. તમે કેટલી ઘટનાઓને આંબી શકશો?"

બસ, આમ જ જીવનમાં બધું મેળવી લીધાં પછી પણ માણસને નમતી સાંજે કંઈક કોરી કાતું હોય છે, કંઈક ઝંઝોળી નાખતું હોય છે અને ભરપૂર આનંદના વાતાવરણમાં આપણે દુઃખી અને એકલા થઇ જઈએ છીએ.

પ્રિયજન - Flipkart પરથી ખરીદવા માટે


પ્રિયજન - Amazon પરથી ખરીદવા માટે

મારા વહાલા બાળકોને - ૬ અને ૭

મારા વહાલા બાળકો, હેપી બર્થ ડે. ભગવાન તમને ખુશ રાખે અને તમારી ઈચ્છાઓ પૂરી કરે એવા આશીર્વાદ. મારી આળસને કારણે ગયા વર્ષે તમારા જન્મદિવસ પર આ લ...