Showing posts with label સંબંધો. Show all posts
Showing posts with label સંબંધો. Show all posts

Thursday, July 11, 2019

બાપ-દીકરી નો સંબંધ

ઑફિસમાં  જમવા  બેસીયે  ત્યારે  અમારી  બાજું  ના ટેબલ પર 4-5 છોકરીઓ બેસે છે. સાથે જમવા બેસે એટલે અમારે એમની સાથે વાટકી-વ્યવહાર ખરો (વાટકી વ્યવહાર કરતાં વાનગી-વ્યવહાર વધું— દાળ-ભાત-શાક-રોટલી તો બધા પાસે હોય એટલે વાનગી વ્યવહાર વધારે).

એ 4-5 છોકરીઓમાં થી આજે જમતી વખતે એક ના પપ્પાનો ફોન આવ્યો. નેટવર્ક કવરેજ બરાબર ન હોવાથી એને પપ્પા સાથે બરાબર વાત ન થઇ. એટલે એ જમી-નજમી અને ઉતાવળ કરીને એની બહેનપણીઓ જમી લે એની રાહ જોયા વગર એ જતી રહી - એના વાહલાં પપ્પાને કૉલ કરવા.

અને મને તરત વિચાર આવ્યો કે જલ્દી જલ્દી જમીને પપ્પાને કૉલ કરવા જતું રેહવું એ   એક દીકરી જ કરી શકે. બાકી અમને છોકરાઓને તો પપ્પાનો ફોન આવે એટલે બીક જ લાગતી હોય (જો કે મારે પપ્પા સાથે એવું નથી-આ તો એક જનરલ વાત છે પપ્પા અને દીકરા ના સંબંધોની :-) )

પેલી છોકરીની એના પપ્પા પ્રત્યેની આ નાની એવી કાળજીની વાત મને લાગણીસભર બનાવી ગઈ અને હવે તો હું પણ એક દીકરીનો પિતા થઇ ગયો છું એટલે મને તરત મારી દીકરી યાદ આવી ગઈ.

હજું 2 દિવસ પહેલાંની જ વાત કરું તો રીવાંશી જમવા બેસે એટલે એને જ્યારથી ગાંધીનગર આવી છે ત્યારથી એ જમે ત્યાં સુધી હું એની સાથે જ હોઉં છું. પણ એ દિવસે હું કોઈ કારણોસર બહાર ગયો તો એ રડવા લાગેલી. :-(

રાતે સૂતી વખતે પણ જો એને ઊંઘ ન આવતી હોય તો એને મારી પાસે આવી ને રમવું જ હોય છે.

આમ બાપ-દીકરીનો પ્રેમ સાચે જ ખુબ લાગણીસભર હોય છે.

Sunday, August 18, 2013

પ્રિયજન - વીનેશ અંતાણી

ગઈ કાલે રાતે 'પ્રિયજન' વાંચીને પૂરી કરી. વીનેશ અંતાણી દ્વારા 23મી માર્ચ 1979ની રાતે અઢી વાગ્યે લાખાયને પૂરી કરેલી આ નવલકથા ઘણાં સમયથી મારી પાસે હોવા છતાં વાંચવાની બાકી રહી જતી હતી. અને પરમદિવસે હાથમાં આવતાવેત મેં વાંચવાની શરું કરી અને 2 દિવસમાં પૂરી કરી.

પ્રિયજન માટે રીવ્યુ લખવાની મારામાં ક્ષમતા નથી. હું ફક્ત એટલું જ કહીશ કે જો તમે જીવનમાં કોઈને પ્રેમ કર્યો હોય, કોઈની યાદમાં ઝુર્યાં હોય અથવા જેમ વિનેશભાઈ કહે છે તેમ -

જીવનને ભરપૂર જીવી લીધું હોય,
બધું જ સભર હોય
છતાં પાછલી જિંદગીની એક નમતી સાંજે
એકાદ ચહેરો મનમાં છલકાઈ જાય.
એવું બને ત્યારે પ્રશ્ન થાય
કઈ ક્ષણ સાચી ?
કે પછી બંને જ સાચી ?
જો આવું કઈ પણ તમને થયું હોય તો તમારે આ પુસ્તક જરૂર વાંચવું.

જીવનમાં ઘણીવાર સુખ અને દુઃખ બંને એક સાથે ઘોડા પર બેસીને આવતા હોય છે. પ્રેમનું પણ કંઈક એવું જ છે. જેને પ્રેમ કરતાં હોઈએ એ સાથે હોવા છતાં એને ન પામવાનું દુઃખ માણસના હૃદયને કોતરી ખાતું હોય છે.

મારા મતે પ્રેમના ઘણાં અલગ અલગ પાસાઓ છે. કોઈને પ્રેમ કરવો, કોઈનો પ્રેમ પામવો, જુના પ્રેમને ઈચ્છાથી કે અનિચ્છાથી ભૂલી જઈને કોઈ નવી વ્યક્તિને પ્રેમ કરવો એ બધું જ અલગ છે. દરેક પ્રેમની તીવ્રતા અલગ હોય છે.

જેમ આજના દિવ્યભાસ્કરની પૂર્તિમાં કાંતિ ભટ્ટે લખ્યું છે - Every love story is a potential grief story - આર્થાત દરેક પ્રેમકથા આખરે તો પીડાની કથા બની જવાની છે. પ્રેમ કરો ત્યારે પીડા માટે તૈયાર રહેજો.

પ્રિયજનમાં ચારુ દિવાકરને કહે છે - "દિવાકર ... મનની અંદર પણ એક વિશ્વ હોય છે અને એ વિશ્વમાં કેટલાયે અધૂરા છેડાઓ લટકતા હોય છે. આપણા સમયની બહાર પણ પાછળ રહી ગયેલી ઘટનાઓ હોય છે. તમે કેટલી ઘટનાઓને આંબી શકશો?"

બસ, આમ જ જીવનમાં બધું મેળવી લીધાં પછી પણ માણસને નમતી સાંજે કંઈક કોરી કાતું હોય છે, કંઈક ઝંઝોળી નાખતું હોય છે અને ભરપૂર આનંદના વાતાવરણમાં આપણે દુઃખી અને એકલા થઇ જઈએ છીએ.

પ્રિયજન - Flipkart પરથી ખરીદવા માટે


પ્રિયજન - Amazon પરથી ખરીદવા માટે

Tuesday, July 9, 2013

પ્રેમ, બ્રેકઅપ અને બીજું બધું આડું અવળું

હાલમાં હું મારા પ્રિય લેખક કાંતિ ભટ્ટનું પુસ્તક "પીડામાંથી પ્રેરણા" વાંચી રહ્યો છું. કાંતિ ભટ્ટના 'ચેતનાની ક્ષણે' ના લેખોનું સંકલન છે. તેમાં એક લેખ છે જેનું શીર્ષક છે "વિચારી-વિચારીને પ્રેમ કે મૈત્રી કરી શકાય ?"

આ લેખના પ્રથમ ફકરામાં કાંતિ ભટ્ટે મુંબઈની એક મહિલા કૉલેજની મહિલા પ્રિન્સિપાલે વિદ્યાર્થીનીઓને સલાહ આપેલી એની વાત કરી છે. પ્રિન્સીપાલ કહે છે - "યુવાની આવે ત્યારે કોઈ પણ યુવકને તમે ભલે દિલ આપો, પણ શરીર ના આપશો અને શરીર આપો તો પછી દિલ ન આપશો. આટલો નિયમ રાખશો તો પછી કોઈ પ્રકારનો માનસિક આઘાત નહિ લાગે. લાગણીઓમાં ખેચાવાની યાતનામાંથી છૂટી શકશો, કારણ કે જેમ હોળી રમીને ગંદા થયેલા શરીર પરથી નાહવાની સાથે જ રંગો ઊતરી જાય છે તેમ માત્ર શરીર જ સંડોવાયું હશે તો સંતાપ લાંબો નહિ તકે."

કાંતિ ભટ્ટ આ શિખામણ સાથે સંમત નથી થતા અને હું પણ નથી થતો. કાંતિ ભટ્ટ કહે છે - "પ્રેમમાં શરીર અને દિલને અલગ નથી પાડી શકાતાં. પ્રેમ કઈ ફૂંકી-ફૂંકીને નથી કરી શકાતો. એ તો પાગલ માણસનું કામ છે. ડાહ્યા માણસો પ્રેમ કરી ન શકે."

આગળ કા.ભ. એકવીસમી સદીમાં થતાં પ્રેમ વિષે કહે છે - "એકવીસમી સદીમાં પ્રેમ એ કઈ પરમેનન્ટ પેન્શનેબલ જોબ નથી. પ્રેમ થઇ જાય તો થઇ જાય, એની લંબાઈ-ટૂંકાઈ ન જોવાય."

આજે ઠેર ઠેર સ્કુલ-કૉલેજ ના છોકરા-છોકરીઓ પ્રેમમાં પડે છે અને પછી બ્રેકઅપ કરે છે અને ફરી પાછા બીજા કોઈ જોડે પ્રેમમાં પડે છે. હું લગ્ન પહેલા થતાં પ્રેમમાં બ્રેકઅપ ની તરફેણમાં છું કારણ કે પરાણે પરાણે પ્રેમ ન થાય. સહન કરી કરીને પ્રેમનો ઢોંગ કરવા કરતા નફફટ થઈને બ્રેકઅપ કરવું વધુ ઉચિત છે.

જીયા ખાને જો આદિત્ય પંચોળીના દીકરા સુરજ પંચોળીની સાથે બ્રેકઅપ કરી નાખ્યું હોત અને એને ભૂલીને બીજા કોઈના પ્રેમમાં પડી હોત તો એ અત્યારે જીવતી હોત.

પણ બ્રેકઅપ કરવો પણ ક્યા સહેલો હોય છે ? પ્રેમ એટલો અટપટી ચીજ છે કે બે પ્રેમીઓ વચ્ચે પ્રેમ છુમંતર થઇ ગયા પછી પણ એ નિષ્પ્રેમ અવશતા સીવ્કારવી મુશ્કેલ બને છે અને એટલે જ બ્રેકઅપ કરવું સહેલું નથી હોતું. 

નોંધ : આ પોસ્ટમાં મેં લગ્ન પહેલાં થતાં પ્રેમ અને બ્રેકઅપની જ વાતો કરી છે.  બે વ્યક્તિઓના લગ્ન પછીના બ્રેકઅપ ને ડિવોર્સ કહેવાય અને હું ડીવોર્સને બિલકુલ સમર્થન નથી આપતો (અમુક હદ વટાવી જનારા અપવાદ સિવાય) કારણ કે એમાં બે વાક્તીઓની સાથે એમના બાળકો અને પરિવારજનો પણ ચકડોળે ચડે છે.

એટલે લગ્ન પછી તો બને ત્યાં સુધી પડ્યું પાનું નિભાવી લેવું જોઈએ. અથવા એને શક્ય હોયતો સરખું લાગણીભર્યું કરવા મથતાં રહેવું અને જીવ્યે જવું. 

મારા વહાલા બાળકોને - ૬ અને ૭

મારા વહાલા બાળકો, હેપી બર્થ ડે. ભગવાન તમને ખુશ રાખે અને તમારી ઈચ્છાઓ પૂરી કરે એવા આશીર્વાદ. મારી આળસને કારણે ગયા વર્ષે તમારા જન્મદિવસ પર આ લ...