Wednesday, April 3, 2024

મારા વહાલા બાળકોને - ૬ અને ૭

મારા વહાલા બાળકો,

હેપી બર્થ ડે. ભગવાન તમને ખુશ રાખે અને તમારી ઈચ્છાઓ પૂરી કરે એવા આશીર્વાદ. મારી આળસને કારણે ગયા વર્ષે તમારા જન્મદિવસ પર આ લેટર લખી નથી શક્યો એના માટે સોરી. આ બે વર્ષમાં તમે બંને ઘણા મોટા થઈ ગયા છો. ઘણીવાર મને હજુ એમ લાગે કે તમે થોડા દિવસ પહેલાં જ તો આ દુનિયામાં આવ્યા છો અને તે છતાં આજે તમારા છ વર્ષ પૂરા થઈ ગયા. 

હું આ બેંગ્લોરથી લખી રહ્યો છું પણ મને આ વખતે આનંદ છે કે તમારા બંનેના પહેલા જન્મ દિવસ પછી આજે ફરી પાછા તમે બંને એક સાથે તમારો બર્થ ડે ભરૂચમાં મનાવશો. વચ્ચે વર્ષોમાં કોરોના અને કંઈ ને કંઈ આવી જતું હોવાથી તમે બંને સાથે હોય એ રીતે જન્મદિવસ નહોતા બનાવી શક્યા. 


રુદ્રરાજ:

તને હવે મારી જેમ રોટલી જમ્યા વગર ચેન પડતું નથી. વચ્ચે તારા પર એક બે ઓપરેશન થયા એમાં પણ અમારી અને ખાસ કરીને ડોક્ટરોની આશા કરતા તે વધારે સારી રીતે કો-ઓપરેટ કર્યું. તકલીફો હોવા છતાં ઉંમર પ્રમાણે તારામાં ઘણી સહનશક્તિ છે. ગયા વર્ષે તો મમ્મી પપ્પા સાથે બેંગલોર પણ આવી ગયો અને અમને બધાને સારું લાગ્યું. ભગવાન તને ખુશી રાખે.


રિવાંશી:

ગયા વર્ષે તારી સ્કૂલ બદલી (યુકેજી માટે) ત્યારે અમને ડર હતો કે તને નવી સ્કૂલમાં ફાવશે કે નહીં? પણ તે સારું એડજસ્ટ કરી લીધું. શરૂઆતમાં થોડું અઘરું તને (અને અમને પણ) પડ્યું અને તે થોડો ઘણો માર પણ ખાધો ;-) પણ પછી તે સારું કવર કરી લીધું અને તારો તો પ્રોગ્રેસ જોઈને તારા મેડમ પણ ખુશ હતા. હજી આજે જ તારું રીઝલ્ટ લઈને આવ્યો. 

માર પરથી યાદ આવ્યું કે તું સ્કૂલમાં એક દિવસ છાનીમાની ઘરેથી વેલણ લઈને જતી રહી હતી. જ્યારે તારા આરતી મેડમે તારી બેગમાં જોયું ત્યારે એમણે તને પૂછ્યું કે કેમ બેગમાં વેલણ છે? તો તે કીધું કે ઘરે મમ્મી આનાથી મારે એટલે હું આ બેગમાં લઈ આવી. :-) મેડમ એ પાછું આજુબાજુના ક્લાસ ટીચરને પણ આ વેલણ બતાવ્યું. આ બધી વાત તો ઘરે આવીને અમને કીધી. તારી મમ્મી જ્યારે તને સ્કૂલે લેવા આવી ત્યારે મેડમ એ કીધું કે રિવાંશીને ભણવાનું બહુ પ્રેશર ન કરતા. પણ ત્યારે તારી મમ્મી ખાસ કંઈ સમજી નહીં કે મેડમે આવું કેમ કીધું. એ તો ઘરે આવીને જ્યારે તે આખી વાત કરી ત્યારે ખબર પડી. 

ગયા વર્ષે ઉનાળામાં સ્વિમિંગમાં તને મૂકી. શરૂઆતમાં તો તને બીક લાગી અને તું રડતી રડતી પાછી આવી પણ ધીરે ધીરે તે ઘણું શીખી લીધું પણ એ છતાં તારું રડવાનું બંધ નથી થતું. જોઈએ તારો ડર ક્યારે જાય છે. અમારી ઈચ્છા છે કે તું ડર વગર મજા કરતા કરતા સ્વિમિંગ કરે. 

એને આગળના વર્ષે તે સ્કેટિંગ પણ થોડું ઘણું શીખ્યું. ગયા વર્ષે તે એક બાળકોની રેસમાં પણ ભાગ લીધો. 

બાકી તને ટીવીમાં આજકાલ હનુમાન, ક્રિષ્ના ની સિરીયલ જોવી ગમે છે અને એ સારું છે. બાકી એ પહેલાં તો તું તારા બીજા કાર્ટૂન મિત્રો જેવા કે પેપા પીગ, માશા-બેર, મોટુ પતલુ એવું બધું જ જોયા કરતી.

તારે હજી સ્ટ્રોંગ અને કોન્ફિડન્ટ બનવાનું છે. હજી તું ઘણી જગ્યાએ ડરે છે અને શરમાય છે. ધીરે ધીરે શીખી જઈશ એવી મને ખાતરી છે.

પણ એક વાતનું મને આનંદ છે કે સ્કૂલની બધી જ કોમ્પીટીશન જેવી કે સ્ટોરી ટેલિંગ, ફેન્સી ડ્રેસ, વગેરેમાં ભાગ લીધો અને તને સ્ટેજ ફીયર એટલો નથી જેટલી તું બાકીના દિવસે શરમાય છે.

ભગવાન તને ખુશ રાખે.

Thursday, December 29, 2022

મારા વહાલાં બાળકોને - ૫

મારા વાહલા બાળકો,

બીલેટેડ હેપ્પી બર્થડે!

આ પોસ્ટ તમને ઘણા વખત પહેલાં લખવાની હતી પણ, સમય નો અભાવ અને ખાસ કરીને આળસને લીધે આ પોસ્ટ રહી જ જતી હતી. પણ આજે સમય મળ્યો છે અને પાછું વિચાર્યું કે વર્ષ પણ બદલાય જાય છે તો એ પહેલાં તો મારે લખવી જ પડશે.

અને હા, આ લખાય રહી છે ત્યાં સુધીમાં તો તમે પોણા ચાર વર્ષના પણ થઇ ગયા છો.

ગયા બે વર્ષોમાં જે કોરોનાનો કેર હતો એ આ વર્ષે મહદઅંશે થમ્યો છે (પણ ગયા અઠવાડિયાના સમાચારો ફરી પાછા એ પાછો આવી રહ્યો છે એ જોઇને ફરી પાછા એ દિવસો યાદ આવી રહ્યા છે.)

રુદ્રરાજ:

  • હજી તને એ.સી. વગર ચાલતું નથી!
  • હવે તને ઘણું બધું સમજાય રહ્યું છે. જો તને સંભળાય એમ હોત તો તું હજી ઘણું વધારે શીખી ગયો હોત.
  • તારી દોડ-દોડી હજી એવી જ છે એટલે કોઈને કોઈએ તારી પાસે રહેવું જ પડે છે.

રીવાંશી:

  • આ વર્ષે તારી સ્કૂલ શરુ થઇ ગઈ (ઓનલાઈન નહિ) અને તને જવું પણ ગમે છે અને તારા ત્યાં ફ્રેન્ડસ પણ બની ગયા છે.
  • ઉમર કરતાં તારી હાઈટ થોડી વધારે છે. બીજા બાળકો તારી સામે નાના લાગે છે.
  • હવે તને ઈંગ્લીશ પણ સારું બોલતા આવડી ગયું છે અને ઘણી વાર તો તારી ઢીંગલીઓ સાથે પણ ઈંગ્લીશમાં વાતો કરે છે. 
  • હવે તને અડધા 'સ' વાળા શબ્દો બોલતા આવડી ગયું છે (એકાદ મહિના પહેલાં જ શીખી).
  • આ વર્ષે એપ્રિલમાં તને સ્કેટિંગ શિખવા લઇ જતા હતા. પણ પછી એક મહિના પછી અહી બેંગ્લોરમાં વરસાદ શરુ થઇ જવાને કારણે બંધ કર્યું. તોય તને બેઝીક આવડી ગયું છે. આવતા વર્ષે સ્વીમીંગ શીખવવાનો પ્લાન છે. 
  • હવે તને મોબાઈલમાં કે ટેબમાં જાતે યુટ્યુબ ચાલું કરીને જોતા આવડી ગયું છે.
  • દર બે દિવસે તારે નવા રમકડાની ડીમાંડ ઉભી જ હોય છે. અને રમકડાની દુકાને તું કયું રમકડું લેવું અને કયું ન લેવું એમાં કન્ફયુઝ થય જાય છે.
  • ધીરે ધીરે તારી બીજા સાથે વાત કરવાની શરમ ઓછી થઇ રહી છે.
  • સવારે નાસ્તામાં તને ભાખરી વધારે ભાવે છે. 


ફરીથી હેપ્પી બર્થડે!

Wednesday, December 28, 2022

NIMHANS Brain Museum અને કેક-શો

 આજે હું, રીવાંશી અને કિરણ NIMHANS Brain Museum જોવા ગયા હતા. ખરેખર જોવા જેવું છે અને મગજ વિષે ઘણી બધી નવી માહિતી આપે છે. અને ખાસ તો તમને મગજ, હૃદય, ફેફસાં હાથમાં લેવા પણ આપે છે. શરૂઆતમાં રીવાંશી અને કિરણને અડવાની ઈચ્છા નહોતી પણ પછી મેં હાથમાં લીધું એટલે પછી રીવાંશી અને કિરણે પણ લીધું. ત્યાં મગજના ઘણા અલગ અલગ સેમ્પલ્સ પણ છે જે જોવા-જાણવાની મજા આવી.

અને પછી ત્યાંથી અમે કેક-શો જોવા ગયા. ૧૦૦ રૂપિયાની ટીકીટ હતી પણ એ પ્રમાણે અમને મજા ન આવી. એના કરતાં અમને NIMHANSમાં વધારે મજા આવી.

Saturday, December 10, 2022

UKG એડમીશન માટેનો ઈન્ટરવ્યું

ગઈ પોસ્ટમાં જણાવ્યું એમ એક્ઝામ તો પાસ કરી અને પછી હવે સ્કૂલવાળાઓએ આજે ઈન્ટરવ્યું માટે બોલાવ્યા હતા. ઈન્ટરવ્યું સ્કૂલના ટ્રસ્ટી સાથે હતો. ટ્રસ્ટીએ રીવાંશી કરતાં તો પહેલાં અમારી સાથે બોવ બધી વાતો કરી. શું કરો છો અને કેટલા બાળકો છે થી લઈને ગુજરાતી નાસ્તા અને એની વાનગીઓ વિષે વાત કરી. વાત એમ થઇ કે એમને રીવાંશીને પૂછ્યું કે શું નાસ્તો કરીને આવી અને રીવાંશીએ કીધું "ભાખરી". એટલે પછી નાસ્તા અને વાનગીઓ વિષે વાતો થઇ અને પછી હાલની સ્કૂલ વિષે અને પછી એ મેદેમે એમની સ્કૂલ અને ટીચરોના વખાણ કર્યા.

પછી મેડમે પેપર જોયું જે ગયા શનિવારે રીવાંશીએ આપ્યું હતું. અમુક લેટર અને નંબર્સ રીવાંશી ઉલટા લખે છે જે એમને કીધું કે એ ધીરે ધીરે સરખા શીખી જશે. પછી એને એજ પેપરમાં થી અમુક વસ્તુઓ પાછી પૂછી જેનો જવાબ રીવાંશીએ સરખો આપ્યો. એ પછી પણ પાછા એ મેડમ બીજી વાતો એ વળગ્યા. અને હવે રીવાંશીની ધીરજ ખૂટી રહી હતી. એટલે એમણે એને પાછું પૂછ્યું કે જે આવડતી હોય એ રાયમ ગાઈને સંભળાવ જેની રીવાંશીએ ના પાડી. અંતે પછી રીવાંશીની ધીરજ ખૂટી એટલે પછી એમણે અમને જવા કહ્યું.

એકંદરે રીવાંશીએ સારું કર્યું એવો સંતોષ માની અમે એડમીશન નક્કી કરાવીને ઘર ભેગા થયા. હવે આવતા વર્ષે એ નવી સ્કૂલમાં જાય ત્યારે જોયું જશે.  

Saturday, December 3, 2022

UKG એડમીશન માટેની પરીક્ષા

 રીવાંશીની હાલની સ્કૂલ (ટેન્ડર હાર્ટસ ઇન્ટરનેશનલ સ્કૂલ) પ્લેસ્કૂલ જ છે અને અમારા એક મિત્ર ના જણાવ્યા અનુસાર UKGમાં થી પહેલાં ધોરણમાં એડમીશન લેવાનું થોડું તકલીફવાળું છે એટલે એમને અમને સલાહ આપી કે પહેલામાં આવતા પહેલા જ મોટી સ્કૂલમાં (જ્યાં ધોરણ ૧થી આગળના ધોરણો હોય એવી સ્કૂલ) એડમીશન લઇ લો. એમની દીકરી રીવાંશી કરતાં એક વર્ષ મોટી છે એટલે એમને અમને આવી સલાહ આપી.

એમની સલાહ માની અમે નજીકની ૪-૫ સ્કૂલો જોઈ આવ્યા અને પછી એક સ્કૂલ પર પસંદગી ઉતારી. મારી ઈચ્છા ICSE board કરતાં CBSE boardમાં લેવાની ઈચ્છા વધુ હતી કારણ કે મારા રીસર્ચ મુજબ  ICSE board નો અભાસ્ક્ર્મ CBSE board કરતાં વધારે હોય છે. મને એવી સ્કૂલ ગમે જ્યાં જરૂર મુજબ નું ભણાવે (બીજું વધારાનું નહિ, કારણ કે અંતે એ બોજ આપણા ઉપર અને બાળક ઉપર જ આવાનો).

પણ અહિયાં બેંગ્લોરમાં ICSE boardની સ્કૂલો વધારે છે અને જે CBSE boardની સ્કૂલ્સ છે એ અમુક દૂર હતી અથવા એમની ફીઝ વધારે હતી (અમને એટલી ફીઝ આપવા જેવી એ સ્કૂલો લાગી નહિ). અંતે પછી એક  ICSE boardની સ્કૂલને જ પસંદ કરવામાં આવી! અને એમને અમને કીધું એક એક શનિવારે બાળકને લઈને સવારે આવો.

મેં એવું કસે ઓનલાઈન વાંચેલું કે LKGથી UKGમાં એડમીશન માટે એ લોકો એક્ઝામ કે એવું નથી લેતા, ફક્ત પ્રિન્સીપાલ / ટ્રસ્ટી સાથે મુલાકાત હોય છે જેમાં ખાલી બાળકને એનું નામ જ પૂછવામાં આવે છે. એટલે અમે તો રીવાંશીને ખાસ કઈ તૈયારી કરાવ્યા વગર જ લઇને ગયા. ખાલી એને કહી રાખેલું કે તારું નામ પૂછશે તો તું નામ સરખું બોલજે (શરમાયા વગર).

સવારે અમે ત્યાં પહોચ્યાં તો અમને પૂછ્યું કે કયા ધોરણમાં એડમીશન લેવા માટે આવ્યા છો? અમે કીધું UKG. તો એ લોકોએ તો રીવાંશીને કીધું ચાલો અહિયાં (એક ક્લાસમાં) બેસી જાઓ એક્ઝામ માટે! રીવાંશી તો રડવા માંડી. તો એ લોકોએ કીધું કે પહેલાં જાઓ એને સ્કૂલ બતાવી આવો પછી એ બેસશે. અમે એને સમજાવી ને આખી સ્કૂલ બતાવી અને પછી થોડી આનાકાની બાદ એ ક્લાસમાં બેથી (એને એના ટીચરે એવું કીધું કે ચાલ ખાલી ડ્રોઈંગમાં કલર જ કરવાનો છે). પછી એ ક્લાસમાં ગઈ અને એને પેપર આપવામાં આવ્યું.

થોડી વાર તો એને કઈ લખ્યું નહિ પણ પછી ધીરે ધીરે એ કઈ લખતી હોય અને વચ્ચે વચ્ચે કલર કરતી હોય એવું દેખાયું. અમે બહાર ઉભા ઉભા દરવાજામાં રાખેલી નાની બારીમાંથી આ બધું જોતા હતા. એમાં પાછું એવું થયું કે અમે બહાર બેઠા હતા અને એક બાળકના પિતાએ એના બાળકને જોરદાર લાફો મારી દીધો અને એ બાળક વધારે રડવા માંડ્યો અને ઉલટી પણ કરી. અમને એ બીક લાગી કે રીવાંશીએ જો આ જોયું હશે તો એ આવડતું હશે તો પણ કઈ લખશે નહિ અને રડવા માંડશે. કારણ કે વચ્ચે વચ્ચે પણ જે નવા બાળકો એડમીશન માટે આવતા હતા એમાંથી અમુક તરત રડતા રડતા બહાર નીકળતા હતા. પણ તું રડી નહિ અને બેસી રહી એ જાણીને અમને ધરપત થઇ અને કદાચ પેલી લાફા વાળી ઘટના તે નહિ જોઈ હોય એવું લાગ્યું. જે હોય તે, પણ તું બેસી રહી એ અગત્યનું હતું એ વખતે. પણ પછી બીજી ચિંતા એ થઇ કે તે પેપરમાં કઈ લખ્યું છે કે નહિ (ત્યાં સુધીમાં ક્લાસમાં ખુબ ઓછા બાળકો હતા એટલે એ લોકોએ દરવાજો ખુલ્લો રાખેલો). કારણ કે અમે જેટલી વાર તને જોતા એટલી વાર તું બીજા સામે જોયા કરતી અથવા તો દરવાજાની બહાર જોયા કરતી અને પગ હલાવીને ટાઈમપાસ કરતી.

બહારથી હું તને ઈશારા કરતો કે પેપરમાં કઈક લખ, પણ તું ના પાડતી. અમારી સામે ૧-૨ બાળકોને પેપર પત્યા પછી એ લોકોએ આગળ એડમીશન માટે ના પણ પાડી.

અંતે ૨ બાળકો બેઠા હતા ક્લાસમાં - એક તું અને બીજો એક છોકરો. પછી તારું પેપર જોઇને તને બહાર આવા દેવામાં આવી. એ દરમિયાન મેં તારું પેપર જોયું અને તે આખું પેપર પૂરું કર્યું હતું અને મહદઅંશે ઘણું બધું સાચું હતું એટલે મને હાશ થઇ.

અને પછી એમને કીધું કે હવે આવતા શનિવારે ઈન્ટરવ્યું માટે આવજો.

Wednesday, October 26, 2022

ગુજરાતી ભાષા એ જો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બોલચાલના વિશાળ ફલક પર આવવું હશે તો

જ્યારે મનુષ્ય બહુભાષી થઈ જાય છે, મહાનગર કે નગરમાં કાન થી બે, ત્રણ, ચાર ભાષાઓ બોલતો-સમજતો થઈ જાય છે (લખતો નહીં!) ત્યારે તેની માતૃભાષાનું વ્યાકરણ લુઝ થઈ જાય છે. વ્યાકરણ બહુ સખ્ત હતું માટે સંસ્કૃત મરી ગઈ અને વ્યાકરણ લુઝ હતું માટે અંગ્રેજી ભાષા હોંગકોંગ અને કેનબેરાથી કેપ્ટાઉન અને લોસ એન્જેલસ સુધી ફેલાઈ ગઈ. ગુજરાતી ભાષા એ જો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બોલચાલના વિશાળ ફલક પર આવવું હશે તો વ્યાકરણને લચીલું બનાવવું પડશે, નવા શબ્દો સરેઆમ સ્વીકારી લેવા પડશે.

- ચંદ્રકાંત બક્ષી "શબ્દ અને સાહિત્ય"

Thursday, October 20, 2022

"જેમ ઋતુઓમાં વસંત હોય છે એમ પરિવારમાં બેટી હોય છે, રેગિસ્તાની કબીલાઓની આ કહેવત સારી છે..."

- ચંદ્રકાંત બક્ષી "શબ્દ અને સાહિત્ય"

Tuesday, October 18, 2022

ગણિત કરતા ભાષા મને કેમ ગમે છે

"મજા આવે છે નવી નવી ભાષાઓ સાંભળવાની અને બોલતી વખતે મૂર્ખ ભૂલો કરતા રહેવાની. ભાષા શીખવાનો એક જ સ્વર્ણ નિયમ છે: ભૂલો કરતા રહેવાની હિંમત હોવી જોઈએ. ગણિત અને ભાષાના શિક્ષણમાં આ જ ફરક છે: ગણિતમાં ભૂલો ન ચાલે. ભાષામાં ભૂલો દોડે..."

- ચંદ્રકાંત બક્ષી "શબ્દ અને સાહિત્ય"

Friday, June 10, 2022

એ લોકો તો સ્કૂલે નથી જતાં તો આપણે કેમ જઈએ છીએ?

મારા બ્લૉગ પર મેં December, 2010 (M.Tech 1st Sem) માં લખેલી આ પોસ્ટ ગઈકાલે રાત્રે યાદ આવી ગઈ. 

મારી ૪ વર્ષની દીકરીને પણ આવી જ કંઈક ઈર્ષા કૂતરાઓની અને ગાયની થતી હતી. 

દીકરી: આપણે કેમ cow કે doggy નથી? 
હું: કેમ તારે cow કે doggy થઈને શું કરવું છે?
દીકરી: એ લોકો તો સ્કૂલે નથી જતાં તો આપણે કેમ જઈએ છીએ?

ટૂંકમાં: મોરના ઈંડા ચીતરવા ના પડે 😀😀😀

Saturday, May 28, 2022

જ્યારે રીવાંશીએ મને નેઈલ પોલિશ કરી દીધી

હું નીચે સૂઈને આરામ કરતો હતો ત્યારે મારું ધ્યાન નો'તું અને રીવાંશીએ મારા પગ ના અંગુઠા પર નેઈલ પોલિશ કરી દીધી. 

અને પછી જોરથી હસતા બોલી: મમ્માં, મેં પપ્પાને નેઈલ પોલિશ કરી દીધી 😀

Sunday, November 28, 2021

રીવાંશી સ્કૂલમાં

  • આખરે કોવિડનો કેર થોડો ઓછો થયો અને નાના બાળકોની સ્કૂલો શરુ થઇ. 
  • આ વખતે કિરણ અને રીવાંશી નવરાત્રી પહેલાં જ ભરૂચ ગયા હતા અને દિવાળીમાં ૧૫-૨૦ દિવસ હું પણ જઈ આવ્યો (થેન્ક્સ તો વર્ક ફ્રોમ હોમ). 
  • કિરણ અને રીવાંશી આ વખતે પ્રથમ વખત ફ્લાયટમાં એકલા બેંગલોરથી વડોદરા ગયા.
  • ભરૂચથી પાછા આવ્યા પછી ૧૮ નવેમ્બર ૨૦૨૧ એ અમે રીવાંશીની એની સ્કૂલ "Tender Hearts International School" માં મુકવા ગયા. 
  • એમતો એની ઓનલાઈન સ્કૂલ માર્ચમાં જ (૩ માર્ચ ૨૦૨૧) ચાલું કરી દીધેલી.
  • અમને (ખાસ કરીને કિરણને) વધારે ડર હતો કે રીવાંશી સ્કૂલમાં એકલી રહેશે કે નહિ. પણ એને સહેજ પણ વાંધો નથી આવ્યો અને એ રડી પણ નથી. ઇન ફેક્ટ, એ તો ૨-૩ દિવસ પહેલાથી જ ઉત્સુક હતી અને ત્યાં ગયા પછી પણ એને મજા આવી. 
  • પછીના દિવસો પણ એને કઈ તકલીફ નથી પડી અને મજા આવી રહી છે. 
  • એને ત્યાં drawing કરવાની મજા આવે છે, પણ જો મેડમ એને ABC કે 123 લખવાનું કહે તો એને કંટાળો આવે છે. 
  • બીજી ચિંતા એ પણ હતી કે એને ત્યાં English માં મેડમ અને બીજા બાળકો વાતચીત કરે છે એ સમજમાં આવશે કે નહિ ? જો કે મેડમને તો થોડું હિન્દી આવડે છે એટલે તકલીફ નથી. 
  • સ્કૂલ ઘરથી નજીક છે અને એને જવું ગમે છે એ સારું છે; બાકી પછી આગે આગે દેખતે હૈ હોતા હૈ ક્યા ?

Wednesday, May 5, 2021

મારા વહાલાં બાળકોને - ૪

ડીયર રુદ્રરાજ અને રીવાંશી, 

બીલેટેડ હેપ્પી બર્થડે!

જોતજોતામાં તમે બંને ૩ વર્ષના થઇ ગયા!

કોરોના વાયરસે જે કાળોકેર વર્તાવ્યો છે એ જોતા આ વર્ષે પણ તમારો જન્મદિવસ અલગ અલગ જગ્યાએ ઉજવવો પડશે. જો કે વચ્ચે દિવાળીમાં તમે બંને એ થોડો સમય સાથે વિતાવ્યો. 

ચાલો તો હવે તમારી વાતો કરીએ.

રુદ્રરાજ :

  • હવે તું ઘણો એક્ટીવ થઇ ગયો છે અને ઘરે બધાંને ઘણી દોડાદોડી કરાવે છે. તને હવે ટેબલ કે બેડ પકડીને ઉભા થતાં પણ આવડી ગયું છે. 
  • તને ઘૂંટણીએ ચાલતા આવડી ગયું છે જેમાં ઘરે બધાને ખુબ ધ્યાન રાખવું પડે તારું.
  • તને ટી.વી જોવું ગમે છે અને તે જોવામાં તું તલ્લીન થઇ જાય છે. 
  • તને એ.સી. વગર ચાલતું નથી. ગરમીમાં રાતે તું સુતો નથી. તારા માટે તરત એ.સી ફિટ કરાવવું પડ્યું કારણકે જી.એન.એફ.સી ટાઉનશીપ જાન્યુઆરીમાં છોડ્યા પછી ગીતાકુન્જમાં તરત એ.સી. નોતું બેસાડ્યું અને ગરમી વધતા તે રાતે જાગવાનું અને જગાડવાનું ચાલું કર્યું'તું. 
  • ફોન પર વિડીયો કૉલ પર તને રીવાંશી અને ઉદિતરાજને જોવા ગમે છે અને એમને જોઇને તું સ્માઈલ આપે છે. 

 

રીવાંશી :

  • તને હવે ઘણું બધું બોલતા આવડી ગયું છે એટલે આખો દિવસ તારી કાલીઘેલી વાતો સાંભળ્યા સિવાય અમારી પાસે છૂટકો નથી. 
  • ઉપરાંત હવે તને થોડું હિન્દી પણ આવડી ગયું છે (થેન્ક્સ તો સામે રહેતા પરિવારને - એમના દીકરા શીવીન સાથે રમીને તને ઘણું હિન્દી આવડ્યું) એટલે તું અમુક વાર અમારી સાથે હિન્દીમાં પણ વાત કરે છે. 
  • અમને ઘણીવાર એવું લાગે છે કે તું મોટી થઈને સ્પોર્ટ્સમાં આગળ વધીશ કારણકે તને દોડાદોડી કરવી, ફૂટબાલ રમવું, જમ્પિંગ કરવું, ફાયટ કરવું બહું જ ગમે છે અને ગજબની શક્તિ છે તારામાં (કે પછી અમારી નબળાઈ ?)
  • ઓનલાઈન ક્લાસ પણ તારા શરું કર્યા છે. જેમાં તું કોઈ વાર સરખું ધ્યાન આપીને મેડમ સાથે વાતો કરે છે અને બાકીનો ટાઈમ રમત કરવામાં. તે છતાં તું ઘણું શીખી છે એનો મને સંતોષ છે. 
  • તને હજી અડધો 'સ' બોલતા નથી આવડતો. એટલે તું smell ને 'મેલ', story ને 'ટોરી' અને small ને 'મોલ' કહે છે.
  • તને હજી ફોન પર કોઈની સાથે વાતો કરવી નથી ગમતી અને જો વિડીઓ કૉલ આવે તો તને હવે કટ કરતાં પણ આવડી ગયું છે એટલે તરત તું ફોન કટ કરી નાખે છે. 
  • ફરી પાછું કોરોનાએ માથું ઉચક્યું છે એટલે ફરી તને અગાસી પર રમવા લઇ જવા સિવાય અમારી પાસે કોઈ ઓપ્શન નથી. 
  • તારા બર્થડે અગાઉ તને સાયકલ ગીફ્ટમાં આપી. બર્થડે પર જ આપવાની હતી પણ તારી જૂની સાયકલ તું ગાર્ડનમાં રમવા લઇ ગઈ હતી મમ્મી સાથે ત્યારે કોઈએ એનું એક ટાયર તોડી નાખ્યું એટલે બર્થડે પહેલાં જ નવી સાયકલ લેવી પડી. 
  • તને પેપ્પા પિગ કાર્ટૂન જોવું બહુ ગમે છે અને એટલે જ તારા બર્થડે પર અમે પેપ્પા પિગ ફેમીલીવાળી કેક મંગાવી હતી જે તને ખુબ ગમી હતી. સાથે સાથે બાજુમાં રહેતા ૨-૩ પરિવારના નાના બાળકોને પણ  (ગાયત્રી, યુકતા) પણ બોલાવેલા જે તારા માટે ગીફ્ટ લઈને આવેલા એટલે તને ઘણું ગમ્યું હતું. (મારી ફ્રેન્ડ સંધ્યા પણ એની દીકરી અનીકાને લઈને આવેલી).
  • તને સ્વીમીંગમાં જવાની ઘણી ઈચ્છા છે પણ આ કોરોનાને કારણે ઘણી જગ્યાએ સ્વીમીંગ બંધ છે (અને જવું હિતાવહ પણ નથી). આવતા વર્ષે તને લઇ જવાની ઈચ્છા છે. 

ફરીથી તમને બંનેને હેપ્પી બર્થડે અને ખુબ ખુબ આશીર્વાદ. 


ગયા વર્ષોની પોસ્ટ :

  1. મારા વહાલાં બાળકોને - ૩ 
  2. મારા વહાલાં બાળકોને - ૨ 
  3. મારા વહાલાં બાળકોને - ૧ 

Friday, March 5, 2021

રીવાંશીબા એ મેડમ ને કહી દીધું "આજે વાત નથી કરવી"

પહેલા ડેમો ક્લાસમાં ડાહ્યા-ડમરા થઈને બેઠા પછી આજે રેગ્યુલર ક્લાસમાં રિવાંશીબા એ મેડમ ને કહી દીધું "આજે વાત નથી કરવી"😀

Sunday, August 23, 2020

નવાજુની - 14

  •  ધ્રુવ ભટ્ટની 'ન ઇતિ' વાંચવાની ખરેખર મજા આવી. આજકાલ ધ્રુવ ભટ્ટ મારા પ્રિય લેખક થઇ ગયા છે. એમને લખેલા ગીત પણ સાંભળવાની અને ખાસ તો અનુભવવાની ખુબ મજા આવે છે. યુટ્યુબ પર એમને લખેલા ગીત ઘણા લોકોએ ગાયા છે. ધ્રુવ ભટ્ટનું 'અકૂપાર' પછી 'ન ઇતિ' બીજું પુસ્તક છે જે મેં વાંચ્યું હોય. 
  • હાલમાં બેન કાર્સન નું 'ગીફ્ટેડ હેન્ડ્સ' વાંચી રહ્યો છે. અમેરિકાના ખ્યાતનામ સર્જન પરનું પુસ્તક છે. આ જ નામ પરથી મૂવી પણ છે. 
  • બહાર ઓફીસ સિવાય જવાનું ટાળું છું - આમને આમ ૪ મહિના થઇ ગયા આ કોરોના કેર ને. પણ અકન્દેરે સારું છે કે બધા ઘરમાં રહેવા ટેવાય ગયા છે અને ખાસ તો વગર કારણે બહાર જવું, બહારનું ખાવું-પીવું, વગેરે બધું બંધ થઇ ગયું છે. પૈસાની બચત અને સ્વાસ્થ્ય પણ બહારનું ખાવાનું બંધ થતાં સારું રહે છે. 
  • હા, પણ વજન વધ્યું છે, ખાસ તો પેટ અને એને હવે થોડું ઓછું કરવું જોઈએ એવું લાગી રહ્યું છે. જે કઈ શારીરિક કસરત થાય છે એ બધી ઘર પરની અગાસીમાં જ થાય છે. પણ મજા આવે છે.
  • ઘરે રહેવા અને અગાસી ઉપર રમવા રીવાંશી ટેવાય ગઈ છે પણ ગઈ કાલે થોડી વાર માટે એને નીચે એની સાયકલ પર લઇ ગયો'તો પણ પછી તો એ ઘરે આવા માનતી જ નો'તી. એટલે પછી નક્કી કર્યું કે અગાસી હમણાં ભલી એને રમવા માટે. 
  • ઓફિસમાં પણ ૩-૪ જણને કોરોના થયો છે. એક તો અમારા ગ્રુપમાં જ આવ્યો છે. એટલે અમારે પણ ગયા અઠવાડિયે ટેસ્ટીંગ કરાવું પડ્યું.  
  • રીવાંશીને ૨-૩ શબ્દો વાળા નાના વાક્યો હવે બોલતા આવડી ગયું છે. એ એનું પોતાનું નામ રીવાંશીને બદલે "હાનશી" બોલે છે :-). અને રાત્રે એને હવે મારી પાસે વાર્તા (એની ભાષામાં "ટોરી" (સ્ટોરી)) સાંભળવી ગમે છે અને એના વગર અમને સુવા નથી દેતી. અને ગમે તેટલી વાર્તાઓ કહીએ, પેલી "મંકી" વાળી ૨ વાર્તાઓ કહેવાની જ : ૧) વાંદરા અને મગર વાળી ૨) વાંદરા અને ટોપીના ફેરિયા વાળી.
  • કોઈ વાર મને ઉંઘ આવે તો પછી કિરણને કહે કે વાર્તા કહો. 
  • આજકાલ એને ગાય બહું ગમતી થઇ ગઈ છે અને રોજ એને રોટલી આપવા માટે નીચે જવાનું કહે છે. 
  • ફૂલછોડને પાણી પીવડાવાનું પણ એને બહું ગમે છે. 
  • અને હા, એને મારી જેમ ગરોળીની જરાય બીક લાગતી નથી ;-)    

Monday, August 3, 2020

નવાજુની - 13

  • પેલી કૃષ્ણાયન વાંચીને પછી રાહુલ પંડિતાની 'Our Moon Has Blood Clots' વાંચી. આ પુસ્તકના અમુક કિસ્સાઓ વાંચીને હચમચી જવાયું. કાશ્મીરી પંડિતો સાથે જે કઈ દુર્વ્યવહાર થયો એ ખરેખર શરમજનક છે અને દુઃખદાયી પણ. થોડા વખત પહેલાં મેં આવું જ એક પુસ્તક વાંચેલું - 'Curfewed Nights' જેના લેખક છે બશરત પીર. એ પુસ્તક કાશ્મીરી મુસ્લીમોની જિંદગી પર હતું. 
  • હવે ધ્રુવ ભટ્ટનું પુસ્તક 'ન ઇતિ' વાંચવામાં આવશે. 
  • કોરોના વાયરસ હવે ખુબ નજીક આવી ગયો છે. નજીકના ૧-૨ ઘરો માં અને ઓફીસમાં પણ ૨-૩ જણને લાગુ પડ્યો છે. નસીબજોગે આપણે ખાસ કઈ એમના સંપર્કમાં નથી આવ્યા એટલું સારું છે. 

Friday, July 3, 2020

નવાજુની - 12


  • કોરોનાનો કેર ધીરે ધીરે હવે બેંગ્લોરમાં પણ વધી રહ્યો છે. શરૂઆત ખુબ જ સારી રહી હતી - ત્યાં સુધી કે બીજા મોટા શહેરો કરતાં અહિયાં દૈનિક આંક ઘણો જ ઓછો હતો. પણ હવે જ્યારથી આ lockdown પૂરું થયું અને unlock 1 ચાલું થયું ત્યારથી તો માઝા મૂકી છે.
  • વરસાદ દર ૧-૨ દિવસી પડી જાય છે અને ઠંડક સારી રહે છે. 
  • પુસ્તકો વાંચવાનું મંથર ગતિએ ચાલે છે - પેલી કૃષ્ણાયન હજી અધુરી છે
  • અકૂપાર વાંચ્યા પછી ધ્રુવ ભટ્ટની 'ન ઇતિ' મંગાવવામાં આવી છે જે આજ-કાલ માં આવી જશે. 
  • રીવાંશીને હવે ઘરમાં રહેવાનું અને રમવાનું ફાવી ગયું લાગે છે - બાકી મને બીક હતી કે આટલો બધો વખત એ કઈ રીતે ઘરમાં રહેશે. કિરણનો પણ આભાર માનવો જોઈએ કે એણે રીવાંશીને 'બિઝી' રાખી.
  • આ વર્ષે એને પ્લે સ્કૂમાં મુકવાનો વિચાર હતો પણ હવે આ કોરોનાને કારને એ વિચાર પડતો મુકવામાં આવ્યો છે. 
  • બાકી તો નવું ટેકનીકલ શીખવાની અને ખાસ તો જુનું ભૂલી ન જવાય એના માટે એને ફરી પાછું "રીવાયઝ" કરવાનું ચાલે છે. 
  • અને હા, કોઈ પણ જાતની શારીરિક કસરત નથી થતી કે ખુબ જ ખરાબ કહેવાય. વજન વધ્યું છે. 

Sunday, May 31, 2020

નવાજુની - 11

  • ગઈ નવાજુની પોસ્ટ પ્રમાણે અમીશની "રાવણ" વાંચીને પૂરી કરી. મજા આવી અને ખાસ કરીને એ જાણીને નવાઈ લાગી કે રાવણ જેવા ઘાતકી અને ક્રૂર માણસને પણ પ્રેમ થયેલો અને એ એક તરફી પ્રેમ એને આખી જિંદગી યાદ રહ્યો. સાથે સાથે એનો સંગીત અને વાંચનના શોખ વિષે જાણીને નવાઈ લાગી. પુસ્તકમાં મને કુમ્ભકર્ણનું પાત્ર પણ ગમ્યું - એક માસૂમ બાળક જેવું - નિર્દોષ અને મહદઅંશે ધર્મને પ્રેમ કરનારો. ભલે કદાચ પુસ્તકમાં ઘણી ખરી વાતો કાલ્પનિક હશે, પણ વાંચવાની મજા આવી અને હવે આ રામ ચંદ્ર સીરીઝનો આગળનો ભાગ આવે એની રાહ જોવામાં આવશે.
  • અહિયાં બેંગ્લોરમાં લોકો પોતાના પાળતું પ્રાણીઓ (મહદઅંશે કુતરાઓ) વિષે ઘણા પઝેસીવ જોવા મળ્યા. હજી થોડાક દિવસ પહેલાં જ અમે અહિયાં નજીકમાં જ આંટો મારી રહ્યા હતા ત્યારે રીવાંશીએ એક પાળેલા કુતરાને (એની ભાષામાં ડોગ્ગી ) "હાય" કહેવા ઉભા રહ્યા તો એ બહેન જે કુતરાને લઈને નીકડા હતા એમને એ કુતરાનું કઈક નામ કીધું (રામ જાણે શું નામ હતું - આપણને તો યાદ રહ્યું નથી). પણ એમને જે રીતે એ કુતરાનું નામ લીધું એ જોઇને એવું લાગ્યું જાણે કે એમને વટ્ટથી એમના દીકરાનું નામ લીધું હોય!!! અમને થોડી નવાઈ લાગી - કદાચ એવું બને કે અમને બહું એવું પ્રાણી પાળવાનો શોખ નથી એટલે અમે કદાચ એ વાતમાં બહુ ઈંટરેસ્ટ ન દાખવ્યો કારણ કે અમારા માટે તો કુતરું એ કુતરું - નામ ગમે તે હોય. બીજું અહી એ પણ અમને નવાઈ લાગેલી કે અહિયાં ઘણા લોકો પ્રાણીઓ પાળે છે - ખાસ કરીને કુતરાઓ. 
  • આ ઉદાસીન અને પેન્ડેમિક વાતાવરણમાં કોઈને થોડું પોઝીટીવ વાંચવાની ઈચ્છા હોય તો ઓમ માલિકની આ પોસ્ટ વાંચવા જેવી છે.
  • હવે પછી કાજળ ઓઝા વૈધની "કૃષ્ણાયન" વાંચવાનો વિચાર છે. 

Monday, May 25, 2020

નવાજુની - 10

ઘણાં સમય પછી પાછી આ નવાજુની વાળી પોસ્ટ આવી.

  • કોરોનાવાયરસ નો કેર હજી ચાલું જ છે. સદભાગ્યે અહિયાં બેંગ્લોરમાં એનો વ્યાપ ઓછો છે. 
  • આ કોરોના-કાળ માં વગર કામનું બહાર જવાનું બંધ થયું હોવાથી વજન વધ્યું હોય એવું લાગે છે.
  • વાંચવાનું ઠીકઠાક ચાલે છે, તે છતાં જોઈએ એવું નહિ. છેલ્લે જણાવ્યા મુજબ "લવ ઈન ધ ટાઈમ ઓફ કૉલેરા - ગેબ્રિઅલ ગાર્સીયા માર્કેઝ" વાંચી અને એ પછી રામ મોરીની "મહોતું" અને ખલીલ ધનતેજવીની "સોગંદનામું" વાંચી. અને હાલમાં અમીશની "રાવણ" વંચાય રહી છે. 
  • બેંગ્લોરમાં ઉનાળા જેવું ખાસ કઈ લાગતું જ નથી. કોઈ વાર બહું ગરમી જેવું લાગે તો સાંજ સુધીમાં તો વરસાદ પડી જાય. હજી ગઈકાલે જ ધોધમાર વરસાદ પડ્યો. 
  • ૩ મહીને આજે વાળ કાપવાનો મેળ પડ્યો. 
  • હજી દસેક દિવસ પહેલાં જ મારા સ્પોર્ટ્સ શૂઝનું એ શૂઝ અને રીવાંશીના સેન્ડલમાં નું એક સેન્ડલ રાત્રે કોઈ કુતરું લઇ ગયું - અને જોવાની વાત એ છે કે એ રાતે જ અમે જમીને બહાર ઉભા હતા ત્યારે રીવાંશીએ નીચે શેરીમાં રહેતા કુતરાઓને ઘણું "હટ હટ" કર્યું હતું. "ઈંટ કા જવાબ પથ્થર સે". એના નવા સેન્ડલનો તો ઓર્ડર આપી દેવામાં આવ્યો છે પણ મારા શૂઝનું હવે જોઈએ ક્યારે મેળ પડે છે.

બાકી તો "ઘરમાં રહો, સુરક્ષિત રહો".

Friday, April 3, 2020

મારા વહાલાં બાળકોને - ૩

ડીયર રુદ્રરાજ અને રીવાંશી,

જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ અને આશીર્વાદ. 

જોતજોતામાં તમે બંને ૨ વર્ષના થઇ ગયા ! 

કોરોના વાયરસના કારણે જે લોકડાઉન થયું છે એના કારણે આ વર્ષે તમારા બંનેનો જન્મદિવસ અલગ અલગ જગ્યાએ ઉજવવો પડશે - રીવાંશી તારો અહિયાં બેંગ્લોરમાં અને રુદ્રરાજ તારો ભરૂચમાં. જો આ લોકડાઉન ના હોત તો અત્યારે તો બધા ભરૂચ પહોચી ગયા હોત ! 

પણ હવે આ બધી વાત છોડીને આપણે તમારી વાત કરીએ.

રીવાંશી:
  • તને જ્યારથી ચાલતાં-દોડતા આવડી ગયું છે ત્યારથી તું ખુબ ભાગાભાગી કરે છે. માંડ એક ઠેકાણે બેસી રહે. 
  • તને હવે થોડું થોડું બોલતા આવડી ગયું છે અને તારા એ કાલી-કાલી ભાષાના શબ્દો અમને સાંભળવાની ખુબ મજા આવે છે. 
  • થોડું ઘણું ડાન્સ કરતા પણ આવડી ગયું છે. 
  • ફલાઇટમાં જયારે તું અહીંયા બેંગ્લોર આવી ત્યારે મને એ બીક હતી કે તું ક્યાંક ફલાઇટમાં બધાને હેરાન ન કરે, પણ નસીબ જોગે વાંધો નથી આવ્યો.
  • તને નોટબુકમાં લીટા કરતા દીવાલ પર પેન-પેન્સિલ લઈને લીટા કરવાનું વધું ગમે છે. 
  • કોઈ પણ સ્વિગ્ગી-ઝોમટો ડિલિવરીવાળા ભાઈને જોઈને તને "પિત્ઝા" યાદ આવી જાય છે.
  • તને પણ મારી જેમ લોક સંગીત સાંભળવાનું ગમતું હોય એવું અત્યારે અમને લાગે છે.
  • દિવસે દિવસે તારી મસ્તી અને નખરા વધતા જાય છે. 
  • તું પુસ્તકો વાંચવા કરતા એને ફાડે છે વધું.
  • તારી "બૂક્સ" કરતા તને હું જે બુક વાંચતો હોય એ લેવાની અને એના પાનાં ફેરવવાની વધારે મજા આવે છે. 
  • તને પણ મારી જેમ "ચીઝ" વધું ભાવે છે. અને ભાવતી વસ્તું ખાતી વખતે તને "યમ્મી" બોલતાં આવડી ગયું છે. 
  • તું ખરી શીંગને "છીંગ" કહે છે અને તને ખુબ ભાવે છે. 
  • રમકડામાં તને ઢીંગલીઓ વધું ગમે છે. રમકડાંની દુકાનમાં જઈએ ત્યારે તું એક પછી એક ઢીંગલીઓ લીધા કરે અને એને રમાડ્યા કરે અને અમને પૂછ્યા કરે "આ આ" (લેવી) છે ?
  • તને મારી સાથે સંતાકુકડી રમવાની બહું મજા આવે છે. 
  • તું તારી "મમ્મા" વગર સ્હેજ પણ રહી નથી શક્તિ. હું ગમે તેટલું તને રમાડું, પણ થોડી વાર થાય એટલે તારે "મમ્મા" તો જોઈએ જ. 
  • તું 5 ને "હાય" બોલે છે. 
  • અને તારું 1,2,3 સીધું 2 થી જ ચાલું થાય છે. 2, હાય, 9 ....
  • તને કુતરાઓ અને ગાય ગમે છે પણ પછી એની નજીક જતાં બીક લાગે છે. ગાંધીનગર હતાં ત્યારે એક વાત સારી હતી કે ઘર પાસે ઘણી ગાયો આવતી. અહીંયા બેંગ્લોરમાં એ તકલીફ છે, પણ અહીંયા ઘરે ઘરે પાળેલા કુતરાઓ ઘણાં છે. 
  • પશું-પક્ષીઓના નામ તને ઘણાં આવડી ગયા છે. 
  • તને ફોન પર વાતો કરવી નથી ગમતી પણ તું તારો રમકડાંનો ફોન લઈને ઘણી વાર કોઈની સાથે વાતો કરવાનો ઢોંગ કરતી હોય છે. 
  • તને ગમે ત્યાં કૂદકા મારવામાં જરાય બીક નથી લાગતી - એ ઘરે સોફા પર હોય કે પછી ગાર્ડનમાં - જે અમને ઘણીવાર ચિંતા કરાવે છે.
  • બેંગ્લોરમાં આવીને તને બીજા બાળકો સાથે ઍડ્જસ્ટ થવામાં થોડી તકલીફ પડે છે કારણ કે અહીંયાની ભાષા તને સમજાતી નથી. હિન્દી હવે તું થોડું થોડું સમજતા શીખી હોય એવું લાગે છે. 
  • તને A for Apple, B for Ball એવું G for Giraffe સુધી આવડી ગયું છે. 
  • તને ડુંગળી બોવ ભાવે છે અને તું એકલી ડુંગળી પણ ખાય શકે છે. 
  • અમે મોબાઈલ જોતા હોય કે બુક વાંચતા હોય ત્યારે તને કંટાળો આવતો હોય તો તું અમને "No, No" કહીને અને આંગળીથી ના પાડીને અમને મોબાઈલ કે બુક મુકાવી દે છે. 
  • સવારે નાસ્તમાં તને તારી "મમ્મા" ભાખરીના અલગ અલગ shape કરીને જમાડે છે જેમ કે moon shape, fish shape, triangle shape, etc.
આ લોકડાઉનમાં બધું બંધ હોવા છતાં તારી "મમ્મા"એ ઘરે કેક બનાવી અને તને ખુબ ભાવી એ જોઇને અમે ઘણાં રાજી થયા. કેક જોઇને તું ખુશ થઇ ગઈ હતી.


રુદ્રરાજ:

  • તું હવે ધીમે ધીમે ઍક્ટિવ થઇ રહ્યો છે અને પહેલાં કરતા તારી તકલીફો પણ ઓછી થઇ છે. 
  • કોઈનો વિડિઓ કૉલ આવે ત્યારે તને ફોન સામે જોતા અને સ્માઈલ કરતા આવડી ગયું છે. 
  • બોટલ મૂકીને હવે તું થોડું-ઘણું ચમચીથી લીકવીડ પિતા થયો છે. 
  • બૅડ પર હવે તને આળોટતા આવડી ગયું છે અને એમાં તને મજા આવે છે. 
  • વજન અને બાકી બધું ડેવેલપમેન્ટ તારું ઘણું ઓછું છે પણ પહેલાં કરતાં સારું છે.
  • તને સૉલ્ટેડ (ખારા) બિસ્કિટ બોવ ભાવે છે. 
ફરીથી તમને બંનેને હૅપ્પી બર્થડે અને ખુબ ખુબ આશીર્વાદ.

ગયા વર્ષોની પોસ્ટ : 

Wednesday, April 1, 2020

બેંગ્લોર

એમતો બેંગ્લોર (બેંગલુરુ પણ આપણને હજી બેંગાલુરુની ટેવ નથી પડી એટલે ત્યાં સુધી બેંગ્લોર) આવ્યે 6 મહિના (સેપ્ટેમ્બર એન્ડ માં અહીંયા આપણે પધરામણી કરી) થઇ ગયા પણ આળસને કારણે બ્લોગ પર કઈ અપડેટ થયું નથી એટલે કદાચ વાંચકો માટે આ નવું હશે.

શરૂઆત તો બેંગ્લોરમાં સહેજ પણ ના ગમ્યું કારણ કે એક તો એકલો આવ્યો હતો - એટલે ઘર અને પરિવાર મિસ થાય. ઉપરાંત આવીને 15 દિવસ હોટલમાં રોકાયો એ પછી રૂમ મળવાની મુશ્કેલી. એ ઉપરાંત અહીંની મોંઘવારી - ખાલી સાઉથ ઇન્ડિયન જમવાનું સસ્તું મળે બાકી બધું જ મોંઘુ. એમાં વળી પાછો હું શરૂઆતના દિવસોમાં બીમાર પડેલો એટલે વધારે ના ગમ્યું. તદુપરાંત અહીંયાનો ટ્રાફિક અને ઠેક-ઠેકાણે ગંદકી અને આપણી ગુજરાતની નર્મદાની કેનાલ જેટલી મોટી, ખુલ્લી ગટરો મેં પેહલી વાર જોઈ.

પણ પછી એકાદ મહિનામાં બધું થાળે પડ્યું ખરું અને પછી ડિસેમ્બરમાં તો કિરણ અને રીવાંશી પણ અહીંયા આવી ગયા એટલે પછી મજા જ મજા.

બેંગ્લોરનું વાતાવરણ તો બધાને ગમે એવું છે. બધી સીઝનમાં ટેમ્પરેચર સરખું જ લાગે - ન વધારે ગરમી કે ન તો વધારે ઠંડી.

ફેબ્રુઆરીમાં મદુરાઈ-રામેશ્વરમ-ઉટી પણ ફરી આવ્યા.

બાકી પુસ્તકો વાંચવાનું ધીમે ધીમે પણ ચાલું છે. અહીંયા આવ્યા પછી 3 પુસ્તકો વાંચ્યા :

1. ધ અધર સાઈડ ઓફ મી - સિડની શેલ્ડન
2. દુખિયારાં - વિકટર હ્યુગો (જે લે મિઝરેબલનું ગુજરાતી અનુવાદ છે - અનુવાદક : મૂળશંકર મો. ભટ્ટ)
3. ધ ગ્રેટેસ્ટ સેલ્સમેન ઈન થઈ વર્લ્ડ - ઑગ મંડીનો

અને હાલમાં કોરોના વાયરસે જયારે કાળો કેર વરસાવ્યો છે આખી દુનિયામાં અને આપણે ભારતમાં પણ જયારે મોદી સરકારે 21 દિવસનું લોકડાઉંન કર્યું છે ત્યારે હું વાંચી રહ્યો છું : લવ ઈન ધ ટાઈમ ઓફ કૉલેરા - ગેબ્રિઅલ ગાર્સીયા માર્કેઝ

લૉકડાઉન દરમિયાન પણ અમારે સરકારી બૅન્કને 50% સ્ટાફથી ચાલું રાખવાની હોવાથી અઠવાડિયામાં 3-4 દિવસ ઑફિસ જવું પડે છે અને બાકીના દિવસોમાં વર્ક ફ્રોમ હોમ - જે મારા માટે પહેલી વારનું છે અને નવું છે. એમ સારું લાગે પણ ઘરે રીવાંશી ની ઉંમરના બાળકો હોય તો થોડું અઘરું પડે.

બાકી તો એવું છે કે ચાલવાનું-દોડવાનું કે બીજી કોઈ જાતની કસરતથી આપણે ઘણા દૂર થઇ ગયા છે જે ખુબ જ ખરાબ કહેવાય અને ફરી પાછું કંઈક નિયમિત થાય એવી આશા સાથે આ પોસ્ટ પુરી કરું છું.

P.S. 1. બેંગ્લોરમાં આવીને ઠેક-ઠેકાણે નૉન-વેજ અને દારૂની દુકાનો જોઈને ઘણી નવાઈ લાગેલી.
2. પાંચ વર્ષથી વપરાતા iPhone ને આરામ આપી 10-12 દિવસ પહેલાં ફરી પાછા એન્ડ્રોઇડ પર આપણે આવી ગયા છીએ અને રિયલમી 6 પ્રો ફૉન લેવામાં આવ્યો છે.  

મારા વહાલા બાળકોને - ૬ અને ૭

મારા વહાલા બાળકો, હેપી બર્થ ડે. ભગવાન તમને ખુશ રાખે અને તમારી ઈચ્છાઓ પૂરી કરે એવા આશીર્વાદ. મારી આળસને કારણે ગયા વર્ષે તમારા જન્મદિવસ પર આ લ...