Monday, May 25, 2020

નવાજુની - 10

ઘણાં સમય પછી પાછી આ નવાજુની વાળી પોસ્ટ આવી.

  • કોરોનાવાયરસ નો કેર હજી ચાલું જ છે. સદભાગ્યે અહિયાં બેંગ્લોરમાં એનો વ્યાપ ઓછો છે. 
  • આ કોરોના-કાળ માં વગર કામનું બહાર જવાનું બંધ થયું હોવાથી વજન વધ્યું હોય એવું લાગે છે.
  • વાંચવાનું ઠીકઠાક ચાલે છે, તે છતાં જોઈએ એવું નહિ. છેલ્લે જણાવ્યા મુજબ "લવ ઈન ધ ટાઈમ ઓફ કૉલેરા - ગેબ્રિઅલ ગાર્સીયા માર્કેઝ" વાંચી અને એ પછી રામ મોરીની "મહોતું" અને ખલીલ ધનતેજવીની "સોગંદનામું" વાંચી. અને હાલમાં અમીશની "રાવણ" વંચાય રહી છે. 
  • બેંગ્લોરમાં ઉનાળા જેવું ખાસ કઈ લાગતું જ નથી. કોઈ વાર બહું ગરમી જેવું લાગે તો સાંજ સુધીમાં તો વરસાદ પડી જાય. હજી ગઈકાલે જ ધોધમાર વરસાદ પડ્યો. 
  • ૩ મહીને આજે વાળ કાપવાનો મેળ પડ્યો. 
  • હજી દસેક દિવસ પહેલાં જ મારા સ્પોર્ટ્સ શૂઝનું એ શૂઝ અને રીવાંશીના સેન્ડલમાં નું એક સેન્ડલ રાત્રે કોઈ કુતરું લઇ ગયું - અને જોવાની વાત એ છે કે એ રાતે જ અમે જમીને બહાર ઉભા હતા ત્યારે રીવાંશીએ નીચે શેરીમાં રહેતા કુતરાઓને ઘણું "હટ હટ" કર્યું હતું. "ઈંટ કા જવાબ પથ્થર સે". એના નવા સેન્ડલનો તો ઓર્ડર આપી દેવામાં આવ્યો છે પણ મારા શૂઝનું હવે જોઈએ ક્યારે મેળ પડે છે.

બાકી તો "ઘરમાં રહો, સુરક્ષિત રહો".

Friday, April 3, 2020

મારા વહાલાં બાળકોને - ૩

ડીયર રુદ્રરાજ અને રીવાંશી,

જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ અને આશીર્વાદ. 

જોતજોતામાં તમે બંને ૨ વર્ષના થઇ ગયા ! 

કોરોના વાયરસના કારણે જે લોકડાઉન થયું છે એના કારણે આ વર્ષે તમારા બંનેનો જન્મદિવસ અલગ અલગ જગ્યાએ ઉજવવો પડશે - રીવાંશી તારો અહિયાં બેંગ્લોરમાં અને રુદ્રરાજ તારો ભરૂચમાં. જો આ લોકડાઉન ના હોત તો અત્યારે તો બધા ભરૂચ પહોચી ગયા હોત ! 

પણ હવે આ બધી વાત છોડીને આપણે તમારી વાત કરીએ.

રીવાંશી:
  • તને જ્યારથી ચાલતાં-દોડતા આવડી ગયું છે ત્યારથી તું ખુબ ભાગાભાગી કરે છે. માંડ એક ઠેકાણે બેસી રહે. 
  • તને હવે થોડું થોડું બોલતા આવડી ગયું છે અને તારા એ કાલી-કાલી ભાષાના શબ્દો અમને સાંભળવાની ખુબ મજા આવે છે. 
  • થોડું ઘણું ડાન્સ કરતા પણ આવડી ગયું છે. 
  • ફલાઇટમાં જયારે તું અહીંયા બેંગ્લોર આવી ત્યારે મને એ બીક હતી કે તું ક્યાંક ફલાઇટમાં બધાને હેરાન ન કરે, પણ નસીબ જોગે વાંધો નથી આવ્યો.
  • તને નોટબુકમાં લીટા કરતા દીવાલ પર પેન-પેન્સિલ લઈને લીટા કરવાનું વધું ગમે છે. 
  • કોઈ પણ સ્વિગ્ગી-ઝોમટો ડિલિવરીવાળા ભાઈને જોઈને તને "પિત્ઝા" યાદ આવી જાય છે.
  • તને પણ મારી જેમ લોક સંગીત સાંભળવાનું ગમતું હોય એવું અત્યારે અમને લાગે છે.
  • દિવસે દિવસે તારી મસ્તી અને નખરા વધતા જાય છે. 
  • તું પુસ્તકો વાંચવા કરતા એને ફાડે છે વધું.
  • તારી "બૂક્સ" કરતા તને હું જે બુક વાંચતો હોય એ લેવાની અને એના પાનાં ફેરવવાની વધારે મજા આવે છે. 
  • તને પણ મારી જેમ "ચીઝ" વધું ભાવે છે. અને ભાવતી વસ્તું ખાતી વખતે તને "યમ્મી" બોલતાં આવડી ગયું છે. 
  • તું ખરી શીંગને "છીંગ" કહે છે અને તને ખુબ ભાવે છે. 
  • રમકડામાં તને ઢીંગલીઓ વધું ગમે છે. રમકડાંની દુકાનમાં જઈએ ત્યારે તું એક પછી એક ઢીંગલીઓ લીધા કરે અને એને રમાડ્યા કરે અને અમને પૂછ્યા કરે "આ આ" (લેવી) છે ?
  • તને મારી સાથે સંતાકુકડી રમવાની બહું મજા આવે છે. 
  • તું તારી "મમ્મા" વગર સ્હેજ પણ રહી નથી શક્તિ. હું ગમે તેટલું તને રમાડું, પણ થોડી વાર થાય એટલે તારે "મમ્મા" તો જોઈએ જ. 
  • તું 5 ને "હાય" બોલે છે. 
  • અને તારું 1,2,3 સીધું 2 થી જ ચાલું થાય છે. 2, હાય, 9 ....
  • તને કુતરાઓ અને ગાય ગમે છે પણ પછી એની નજીક જતાં બીક લાગે છે. ગાંધીનગર હતાં ત્યારે એક વાત સારી હતી કે ઘર પાસે ઘણી ગાયો આવતી. અહીંયા બેંગ્લોરમાં એ તકલીફ છે, પણ અહીંયા ઘરે ઘરે પાળેલા કુતરાઓ ઘણાં છે. 
  • પશું-પક્ષીઓના નામ તને ઘણાં આવડી ગયા છે. 
  • તને ફોન પર વાતો કરવી નથી ગમતી પણ તું તારો રમકડાંનો ફોન લઈને ઘણી વાર કોઈની સાથે વાતો કરવાનો ઢોંગ કરતી હોય છે. 
  • તને ગમે ત્યાં કૂદકા મારવામાં જરાય બીક નથી લાગતી - એ ઘરે સોફા પર હોય કે પછી ગાર્ડનમાં - જે અમને ઘણીવાર ચિંતા કરાવે છે.
  • બેંગ્લોરમાં આવીને તને બીજા બાળકો સાથે ઍડ્જસ્ટ થવામાં થોડી તકલીફ પડે છે કારણ કે અહીંયાની ભાષા તને સમજાતી નથી. હિન્દી હવે તું થોડું થોડું સમજતા શીખી હોય એવું લાગે છે. 
  • તને A for Apple, B for Ball એવું G for Giraffe સુધી આવડી ગયું છે. 
  • તને ડુંગળી બોવ ભાવે છે અને તું એકલી ડુંગળી પણ ખાય શકે છે. 
  • અમે મોબાઈલ જોતા હોય કે બુક વાંચતા હોય ત્યારે તને કંટાળો આવતો હોય તો તું અમને "No, No" કહીને અને આંગળીથી ના પાડીને અમને મોબાઈલ કે બુક મુકાવી દે છે. 
  • સવારે નાસ્તમાં તને તારી "મમ્મા" ભાખરીના અલગ અલગ shape કરીને જમાડે છે જેમ કે moon shape, fish shape, triangle shape, etc.
આ લોકડાઉનમાં બધું બંધ હોવા છતાં તારી "મમ્મા"એ ઘરે કેક બનાવી અને તને ખુબ ભાવી એ જોઇને અમે ઘણાં રાજી થયા. કેક જોઇને તું ખુશ થઇ ગઈ હતી.


રુદ્રરાજ:

  • તું હવે ધીમે ધીમે ઍક્ટિવ થઇ રહ્યો છે અને પહેલાં કરતા તારી તકલીફો પણ ઓછી થઇ છે. 
  • કોઈનો વિડિઓ કૉલ આવે ત્યારે તને ફોન સામે જોતા અને સ્માઈલ કરતા આવડી ગયું છે. 
  • બોટલ મૂકીને હવે તું થોડું-ઘણું ચમચીથી લીકવીડ પિતા થયો છે. 
  • બૅડ પર હવે તને આળોટતા આવડી ગયું છે અને એમાં તને મજા આવે છે. 
  • વજન અને બાકી બધું ડેવેલપમેન્ટ તારું ઘણું ઓછું છે પણ પહેલાં કરતાં સારું છે.
  • તને સૉલ્ટેડ (ખારા) બિસ્કિટ બોવ ભાવે છે. 
ફરીથી તમને બંનેને હૅપ્પી બર્થડે અને ખુબ ખુબ આશીર્વાદ.

ગયા વર્ષોની પોસ્ટ : 

Wednesday, April 1, 2020

બેંગ્લોર

એમતો બેંગ્લોર (બેંગલુરુ પણ આપણને હજી બેંગાલુરુની ટેવ નથી પડી એટલે ત્યાં સુધી બેંગ્લોર) આવ્યે 6 મહિના (સેપ્ટેમ્બર એન્ડ માં અહીંયા આપણે પધરામણી કરી) થઇ ગયા પણ આળસને કારણે બ્લોગ પર કઈ અપડેટ થયું નથી એટલે કદાચ વાંચકો માટે આ નવું હશે.

શરૂઆત તો બેંગ્લોરમાં સહેજ પણ ના ગમ્યું કારણ કે એક તો એકલો આવ્યો હતો - એટલે ઘર અને પરિવાર મિસ થાય. ઉપરાંત આવીને 15 દિવસ હોટલમાં રોકાયો એ પછી રૂમ મળવાની મુશ્કેલી. એ ઉપરાંત અહીંની મોંઘવારી - ખાલી સાઉથ ઇન્ડિયન જમવાનું સસ્તું મળે બાકી બધું જ મોંઘુ. એમાં વળી પાછો હું શરૂઆતના દિવસોમાં બીમાર પડેલો એટલે વધારે ના ગમ્યું. તદુપરાંત અહીંયાનો ટ્રાફિક અને ઠેક-ઠેકાણે ગંદકી અને આપણી ગુજરાતની નર્મદાની કેનાલ જેટલી મોટી, ખુલ્લી ગટરો મેં પેહલી વાર જોઈ.

પણ પછી એકાદ મહિનામાં બધું થાળે પડ્યું ખરું અને પછી ડિસેમ્બરમાં તો કિરણ અને રીવાંશી પણ અહીંયા આવી ગયા એટલે પછી મજા જ મજા.

બેંગ્લોરનું વાતાવરણ તો બધાને ગમે એવું છે. બધી સીઝનમાં ટેમ્પરેચર સરખું જ લાગે - ન વધારે ગરમી કે ન તો વધારે ઠંડી.

ફેબ્રુઆરીમાં મદુરાઈ-રામેશ્વરમ-ઉટી પણ ફરી આવ્યા.

બાકી પુસ્તકો વાંચવાનું ધીમે ધીમે પણ ચાલું છે. અહીંયા આવ્યા પછી 3 પુસ્તકો વાંચ્યા :

1. ધ અધર સાઈડ ઓફ મી - સિડની શેલ્ડન
2. દુખિયારાં - વિકટર હ્યુગો (જે લે મિઝરેબલનું ગુજરાતી અનુવાદ છે - અનુવાદક : મૂળશંકર મો. ભટ્ટ)
3. ધ ગ્રેટેસ્ટ સેલ્સમેન ઈન થઈ વર્લ્ડ - ઑગ મંડીનો

અને હાલમાં કોરોના વાયરસે જયારે કાળો કેર વરસાવ્યો છે આખી દુનિયામાં અને આપણે ભારતમાં પણ જયારે મોદી સરકારે 21 દિવસનું લોકડાઉંન કર્યું છે ત્યારે હું વાંચી રહ્યો છું : લવ ઈન ધ ટાઈમ ઓફ કૉલેરા - ગેબ્રિઅલ ગાર્સીયા માર્કેઝ

લૉકડાઉન દરમિયાન પણ અમારે સરકારી બૅન્કને 50% સ્ટાફથી ચાલું રાખવાની હોવાથી અઠવાડિયામાં 3-4 દિવસ ઑફિસ જવું પડે છે અને બાકીના દિવસોમાં વર્ક ફ્રોમ હોમ - જે મારા માટે પહેલી વારનું છે અને નવું છે. એમ સારું લાગે પણ ઘરે રીવાંશી ની ઉંમરના બાળકો હોય તો થોડું અઘરું પડે.

બાકી તો એવું છે કે ચાલવાનું-દોડવાનું કે બીજી કોઈ જાતની કસરતથી આપણે ઘણા દૂર થઇ ગયા છે જે ખુબ જ ખરાબ કહેવાય અને ફરી પાછું કંઈક નિયમિત થાય એવી આશા સાથે આ પોસ્ટ પુરી કરું છું.

P.S. 1. બેંગ્લોરમાં આવીને ઠેક-ઠેકાણે નૉન-વેજ અને દારૂની દુકાનો જોઈને ઘણી નવાઈ લાગેલી.
2. પાંચ વર્ષથી વપરાતા iPhone ને આરામ આપી 10-12 દિવસ પહેલાં ફરી પાછા એન્ડ્રોઇડ પર આપણે આવી ગયા છીએ અને રિયલમી 6 પ્રો ફૉન લેવામાં આવ્યો છે.  

Thursday, July 11, 2019

બાપ-દીકરી નો સંબંધ

ઑફિસમાં  જમવા  બેસીયે  ત્યારે  અમારી  બાજું  ના ટેબલ પર 4-5 છોકરીઓ બેસે છે. સાથે જમવા બેસે એટલે અમારે એમની સાથે વાટકી-વ્યવહાર ખરો (વાટકી વ્યવહાર કરતાં વાનગી-વ્યવહાર વધું— દાળ-ભાત-શાક-રોટલી તો બધા પાસે હોય એટલે વાનગી વ્યવહાર વધારે).

એ 4-5 છોકરીઓમાં થી આજે જમતી વખતે એક ના પપ્પાનો ફોન આવ્યો. નેટવર્ક કવરેજ બરાબર ન હોવાથી એને પપ્પા સાથે બરાબર વાત ન થઇ. એટલે એ જમી-નજમી અને ઉતાવળ કરીને એની બહેનપણીઓ જમી લે એની રાહ જોયા વગર એ જતી રહી - એના વાહલાં પપ્પાને કૉલ કરવા.

અને મને તરત વિચાર આવ્યો કે જલ્દી જલ્દી જમીને પપ્પાને કૉલ કરવા જતું રેહવું એ   એક દીકરી જ કરી શકે. બાકી અમને છોકરાઓને તો પપ્પાનો ફોન આવે એટલે બીક જ લાગતી હોય (જો કે મારે પપ્પા સાથે એવું નથી-આ તો એક જનરલ વાત છે પપ્પા અને દીકરા ના સંબંધોની :-) )

પેલી છોકરીની એના પપ્પા પ્રત્યેની આ નાની એવી કાળજીની વાત મને લાગણીસભર બનાવી ગઈ અને હવે તો હું પણ એક દીકરીનો પિતા થઇ ગયો છું એટલે મને તરત મારી દીકરી યાદ આવી ગઈ.

હજું 2 દિવસ પહેલાંની જ વાત કરું તો રીવાંશી જમવા બેસે એટલે એને જ્યારથી ગાંધીનગર આવી છે ત્યારથી એ જમે ત્યાં સુધી હું એની સાથે જ હોઉં છું. પણ એ દિવસે હું કોઈ કારણોસર બહાર ગયો તો એ રડવા લાગેલી. :-(

રાતે સૂતી વખતે પણ જો એને ઊંઘ ન આવતી હોય તો એને મારી પાસે આવી ને રમવું જ હોય છે.

આમ બાપ-દીકરીનો પ્રેમ સાચે જ ખુબ લાગણીસભર હોય છે.

Sunday, May 19, 2019

જોત-જોતામાં જો ફરી પાછી સવાર થઇ ગઈ

આમ ને આમ રાત આજે ફરી ઢળી ગઈ,
સુખ ની શોધમાં જિંદગી એક પાંદડું ખેરવતી ગઈ,
મૃગજળ જેવી જિંદગીનો ટેસડો લઇ લો ઍ દોસ્તો !
બાકી જોત-જોતામાં જો ફરી પાછી સવાર થઇ ગઈ.

- યશપાલસિંહ જાડેજા  

ગઈકાલે ગાંધીનગરથી ભરૂચ આવતો હતો ત્યારે ઉપરની પંક્તિઓ લખી. મનમાં આ વિચાર 2-3 દિવસથી આવી રહ્યો હતો. અમુકવાર આપણે ખોટા ધમપછાડા કરીયે છીએ એમ લાગ્યું. બધાં સુખની શોધમાં પોતાની આજ દુઃખી બનાવી ફરતા હોય છે. અને આપણને એમ લાગે કે "આટલું કામ થઇ જાય એટલે સુખી / આ વસ્તું મળી જાય એટલે સુખી" પણ ખરેખર સુખ તો પોતે મૃગજળ જેવું છે. જીવનની ભાગદૌડમાં અને સુખની ઘેલછામાં "સવાર" ક્યારે પડી જશે એ ખબર પણ નહિ પડે.

હમણાં જ વોટ્સએપ પર 2 પંક્તિઓ વાંચી :

मुझे अंजाम मालूम है कहानी का क्या होना है,
मगर फिर भी मुझे आखिर के पन्ने देखने होंगे।

- फैज़

Friday, April 12, 2019

Not વિધાઉટ My ડૉટર

 
 
આજે ક્રોસવર્ડમાંથી આ પુસ્તક લીધા પછી એના પાના ફેરવતી વખતે મને અચાનક એક જૂની કવિતા યાદ આવી. જયંત પાઠક એ લખેલી "મારી દીકરી ક્યાં ?"

આખરે ઉજાગરાનો અંત આવ્યો:
લગન ઊકલી ગયાં.
મા હવે
ઘરની ચીજવસ્તુઓ ગણે છે
સંભારી સંભારી મેળવે છે
સંભાળી સંભાળી ગોઠ્વે છે:
થાળી, વાડકા, ગ્લાસ, ડિશ-
બધું બરાબર છે
ક્યાંય કશુંય ખોવાયું નથી
કશુંય ગયું નથી-
પણ

અચાનક કંઈક યાદ આવતાં
એ ઓરડા વચ્ચે
ઊભી રહી જાય છે
આંખોમાંથી ટપકું ટપકું થાય છે
ખારો ખારો પ્રશ્ન :
‘મારી દીકરી ક્યાં ?’

મારા વહાલાં બાળકોને - ૨

ડીયર રુદ્રરાજ અને રીવાંશી,

જન્મદિવસની ખુબ ખુબશુભેચ્છા અને માફી ચાહું છું કે આ પત્ર હું તમને તમારા બર્થડે પર ન લખી શક્યો.

તમને આ દુનિયામાં આવ્યે એક વર્ષ થઇ ગયું એ હજી મને માન્યામાં આવતું નથી. અને સાથે એ પણ વિચાર આવે છે કે સમય કેટલો જલ્દી પસાર થઇ જાય છે. મને હજી એ બધી જ ક્ષણો યાદ છે જે તમારા જન્મ સમયે અને જન્મ પછી અનુભવેલી. એ દિવસો ખુબ જ અઘરા પણ હતાં અને તનાવભર્યા પણ.

પણ હું આજે પણ તમારી એ હિમંત અને જિજીવિષાને દાદ આપું છું. જે રીતે તમે એ શરૂઆતના એક મહિનામાં ફાઈટ આપી છે એના માટે તમને સલામ.

તમારા જન્મ પછી હું પણ થોડો પરિપક્વ થયો છું અને ખાસ તો બાળકોના ઉછેર માટે જે ધીરજ અંદ સહશીલતા જોઈએ એ હું મારામાં કેળવી રહ્યો છું.

હવે આ બધી બોરિંગ ફિલોસોફીની વાતો છોડીને હું તમારી વાતો કરું.

રીવાંશી :

  • તું ખુબ જ સમજું છે, સાથે સાથે ખુબ જ એક્ટીવ.
  • જ્યારથી બેસતાં શીખી છે ત્યારથી તું કંઈકને કંઈક કાર્ય કરતી જ હોય છે. અને હવે તો ભાંખડીએ ચાલતા શીખી છે એટલે અમારે ખુબ ધ્યાન રાખવું પડે છે.  
  • તને walker  ના સહારે પણ ચાલતા આવડી ગયું છે.
  • તને હવે અલગ અલગ પ્રાણીઓને ઓળખતાં આવી ગયું છે અને તું એમના ફોટો કે વિડીઓ જોઈને ખુશ થઇ જાય છે. 
  • હજી તું ખાસ કઈ બોલતાં શીખી નથી, પણ મમ્મીને કોઈ વાર "મી" કહીને બોલાવે છે અને પાપા અવાજ કરીને બોલતી નથી પણ ખાલી હોઠ ફફડાવે છે. અને ભાઈ ને તું "ભા" કહીને બોલાવે છે.
  • કોઈ બોલાવે તો તું બીજા પાસે જાય છે ખરી પણ મમ્મીને જોવે એટલે તરત તારે એની પાસે જવું હોય, ખાસ તો ત્યારે જયારે તને ભૂખ લાગી હોય કે ઉંઘ આવતી હોય. 
  • રુદ્રરાજ અને ઉદિતરાજ, બંને ભાઈયો તને ખુબ જ વહાલાં છે.
  • રુદ્રરાજને અમારે તારાથી થોડો દૂર રાખવો પડે છે કારણ કે તું કોઈ વાર એને વહાલમાં એના વાળ ખેંચી લે છે. પણ રુદ્રરાજને જોઇને અને એને અડીને તારા ફેસ પર જે સ્માઈલ અને ખુશી આવે છે એ જોઇને અમને ખુબ જ આનંદ થાય છે. 
  • ઘણીવાર તો એવું લાગે જાણે તું એની મોટી બહેન હોય અને એનું ધ્યાન રાખતી હોય.
  • અરે હા, એ કહેવાનું તો ભૂલી જ ગયો કે ૧૪ ફેબ્રુઆરીના તારા કાન વિન્ધાવ્યા. હું ત્યારે સાથે નો'તો. તને થયેલું દર્દ વિચારીને મને ઘણું દુઃખ થયું હતું.
  • તારી મમ્મીને તને તૈયાર કરવી ખુબ ગમે છે અને સરસ મજાની તૈયાર કરીને એ ફોટા પડાવતી રહે છે. 
  • બર્થડે પહેલાં મેં તમને ગીફ્ટમાં બુક્સ આપી છે,જેમાંથી હજી તને તો પેલી પ્રાણીઓના ફોટા વાળી બૂક  જ  વધારે ગમે છે.
  • ઊંઘમાં તને મારી જેમ હાથ-પગ ઉલાળવાની ટેવ છે અને હજી ૨ દિવસ પહેલાં જ તે ઊંઘમાં મને ઘણાં પાટા અને ગુસ્તા માર્યા  :-)

રુદ્રરાજ :

  • તારી તકલીફો તું અવગણીને જે રીતે મોટો થઇ રહ્યો છે એ અમારા માટે એક ચમત્કાર જ છે. 
  • તને જે તકલીફ છે એનો ઇલાજ તો નથી પણ અમે શક્ય તેટલો પ્રયત્ન કરીએ છીએ કે તું ખુશ રહે.
  • તને હવે થોડું થોડું હાથે થી વસ્તુઓ પકડતા આવડી ગયું છે. અને સાથે સાથે તું થોડી-ઘણી સંવેદનાઓ અને ફિલિંગ્સ પણ સમજી રહ્યો છે. 
  • તું જયારે પણ હસે છે ત્યારે એ ખુબ જ ભોળું સ્મિત હોય છે અને એ બોખું સ્મિત જોઇ પીગળી જવાય છે. :-)
  • વજન અને બાકી બધું ડેવેલપમેન્ટ તારું ઘણું ઓછું છે.
  • રીવાંશી અને ઉદિતરાજ રમતા હોય એ જોવાની તને મજા આવે છે.    

અંતે, મારા અને પરિવારના બધાના તમને બંને ને ખુબ ખુબ આશીર્વાદ.

ગયા વર્ષની પોસ્ટ: મારા વ્હાલા બાળકોને - ૧  

મારા વહાલા બાળકોને - ૬ અને ૭

મારા વહાલા બાળકો, હેપી બર્થ ડે. ભગવાન તમને ખુશ રાખે અને તમારી ઈચ્છાઓ પૂરી કરે એવા આશીર્વાદ. મારી આળસને કારણે ગયા વર્ષે તમારા જન્મદિવસ પર આ લ...