Tuesday, June 25, 2013

એક નાનો મેળાવડો

મારા એન્જીનીયરીંગ સમય ના મિત્રો સાથેની ઘણા વખતથી લંબાયેલ મુલાકાત ગયા શનિવારે હું જ્યારે વેકેશન માટે ભરૂચ ગયો હતો ત્યારે પૂરી કરવામાં આવી.

WhatsApp પર અને કોલ કરી કરી ને ઘણી લાંબી ચર્ચાઓ ને અંતે અમે વડોદરામાં મળવાનું નક્કી કર્યું. મળનારા હતાં - રાહુલ અને સોનિયા, હેમલ, સંધ્યા અને હું. અપૂર્વ અને સ્વાતી કોઈ કારણોસર નો'તા આવી શક્ય. કિંજલ પણ.

અમે બપોર પછી મળવાનું રાખ્યું હતું, એટલે બપોરે જમીને પછી હું ભરૂચ થી વડોદરા ની બસ માં બેઠો. સપ્રથમ, અમે હેમલ ના નવા ઘરે ગયા જે પશાભાઇ પાર્ક માં આવેલું છે. ત્યાં થોડો નાસ્તો અને ઘણી બધી વાતો પછી અમે એના ઘરે થી થોડે જ દૂર આવેલા આઈનોક્સ થીએટર પર ગયા અને ત્યાં નવી આવેલી ફિલ્મ, રાનજ્હણા જોઈ.

ફિલ્મ તો કઈ ખાસ ગમી નહિ પણ એ.આર. રેહમાન નું સંગીત ગમ્યું.

ફિલ્મ જોયા પછી અમે આઈનોક્સ ની બાજુંમાં આવેલા લેન્ડમાર્ક બુકસ્ટોરમાં ગયા પણ ત્યાં વધારે પડતી ગરમી લાગતા (એ.સી. ના ચાલતું હોવાથી) અને ભૂખ્યા થયા હોવાથી અમે જમવા જવાનું નક્કી કર્યું. શાનીવ્વાર હોવાથી મોટાભાગના રેસ્ટોરાંવાળા ને ત્યાં લાંબી લાંબી લાઈનો હતી અને અમારે રાહ જોવી પડે તેમ હતી. આખરે સંકલ્પમાં જગ્યા મળી અને અમે સાઉથ ઇન્ડિયન જમ્યા.

ટૂંકમાં દિવસ ખુબ મજાનો રહ્યો અને અમે અમારા ઘણા મિત્રો વિષે વાતો કરી અને બધાને મિસ કર્યા.

રાહુલ નો ઘણો આભાર કે એની ગાડી હતી એટલે એક ઠેકાણેથી બીજા ઠેકાણે જવામાં અમને સહાયતા રહી.

Saturday, June 15, 2013

જાહેરાતો નો મારો

ઘણીવાર ટી.વી. જોતા હોઈએ અને એટલી બધી જાહેરાતો આવે કે આપણે ભૂલી જઈએ કે આપણે કયો કાર્યક્રમ જોતા હતાં. કાર્યક્રમ ચાલું થાય ત્યારે યાદ આવે કે આપણે શું જોતા હતાં.

અપડેટ : થોડા સારા સમાચાર પણ છે. વાંચો મારા અંગ્રેજી બ્લોગ પર.

Wednesday, June 12, 2013

સફળતા અને જીવન પર ના 5 પાઠ - ચેતન ભગત

લેખક તરીકે મને ચેતન ભગત હંમેશા ગમ્યા છે. મેં એમના બધાં જ પુસ્તકો વાંચ્યા છે જેમાનું સહું થી  પ્રિય "ફાઈવ પોઈન્ટ સમવન" છે. નવલકથા સિવાય એ એમના ભાષણો માટે પણ પ્રખ્યાત છે. જેમ કે એમનું 'સ્પાર્ક' પર નું આ ભાષણ ખુબ જ  ખ્યાતી પામેલું છે.

આજે પણ એમને ટ્વીટર પર એક સરસ ટ્વીટ કરી જે મેં નીચે આપી છે.


ગુજરાતી ભાષાંતર :


  1.  ખુબ જ ઓછાં લોકો તમને સાચો પ્રેમ કરે  અને તમે એમને  આંગળી ને વેઢે ગણી શકો છો. એમને પકડી રાખો.
  2. તમે સફળ હશો તો અનેક લોકો તમને પ્રેમ કરશે. તમે સફળ નહિ હોવ ત્યારે તેઓ પ્રેમ કરવાનું બંધ કરશે. તેઓ સફળતા ને પ્રેમ કરે છે, તમને નહિ. તેવા લોકોને ગંભીરતાપૂર્વક ના લો.
  3. જ્યારે તમે સફળ નહિ હોવ, ત્યારે તમારા સપના પર વિશ્વાસ અમુક જ કરશે. એમાના તમે એક હશો, અને અમુક વાર તમે એકલા જ હશો.
  4. સપનાઓ, સંકલ્પ અને ફોકસ હોવા છતાં કેટલીક વખત તમને પ્રેરણા ઓછી પડશે. એ વખતે ફરી લડવા માટે ઉઠો. તે સરળ નથી અને એટલે જ બહુ ઓછાં ત્યાં સુધી પહોંચે છે.
  5. વર્ગ માં પ્રથમ આવનાર લોકો જીવનમાં હંમેશા શ્રેષ્ઠ નથી હોતા. પણ લોકો જે બીજા લોકોને એમના કાર્ય ને અને પોતાને સમજે છે એ લોકો  માં શ્રેષ્ઠ  છે 

Monday, May 27, 2013

પ્રેમ અને સ્ત્રીઓની અનિવાર્યતા વિષે ચંદ્રકાંત બક્ષીના બે અદ્ભુત વાક્યો.

"સહન કરતાં કરતાં ફાવવાની જે પ્રણાલિકા પડે છે એને બહુ રૂપેરી નામ આપ્યું છે - પ્રેમ"

"જ્યાં સુધી ઉત્પત્તિ અને વિકાસ માટે સ્ત્રીઓ અનિવાર્ય છે ત્યાં સુધી પ્રેમમાંથી છુટકારો નથી"

- ચંદ્રકાંત બક્ષી
('ચંદ્રકાંત બક્ષીની શ્રેષ્ઠ વાર્તાઓ' માંથી. વાર્તા : 'અમે'. પૃષ્ઠ : 206)

બ્રહ્મચર્યાશ્રમ અને ગૃહસ્થાશ્રમની વચ્ચે એક આશ્રમની જરૂર હતી.

બ્રહ્મચર્યાશ્રમ અને ગૃહસ્થાશ્રમની વચ્ચે એક આશ્રમની જરૂર હતી એમ મને હંમેશા લાગ્યા કર્યું છે. એમાં રખડવાનું આવી જાય; સ્ત્રીઓ તરફનું જામતું આકર્ષણ આવી જાય.

- ચંદ્રકાંત બક્ષી
('ચંદ્રકાંત બક્ષીની શ્રેષ્ઠ વાર્તાઓ' માંથી. વાર્તા - તમે આવશો ? પૃષ્ઠ - ૧૩૦)

રોજ નવા સ્વાદ વાળી ચા

આજકાલ મહેશને vacation પડ્યું છે એટલે એ ઘરે ગયો છે. ઘરમાં ફક્ત હું અને કિરણ હોઈએ છીએ.

સવારમાં રોજ ૬-૬:૩૦ની વચ્ચે દૂધવાળો દૂધ લઈને આવે છે અને અમારી ઊંઘ બગાડે છે.

કિરણ ને કૉલેજ મારા કરતા વહેલાં જવાનું હોય છે એટલે એ વહેલો ઉઠી જાય છે. દૂધવાળો એના માટે alarm નું કામ કરે છે. 

સવારે અમુક વાર હું ચા બનાવું, ખાસ કરીને જ્યારે કિરણ ને મોડું થઇ ગયું હોય ત્યારે અથવા તો એ ઘરે ગાય હોય અને હું એકલો હોવ ત્યારે.

મને રસોઈ કરવાનો કંટાળો આવે - ખાસ કઈ રાંધતા પણ નથી આવડતું. નાનપણથી maggi બનાવતો - પણ બીજું કઈ ખાસ નથી.

ઘરના કામો જેમ કે વાસણ ધોવા, કપડાં ધોવા, કચરા-પોતા કરવા આટલા કામો મને ફાવે. પણ રસોઈ કરતા, કપડાને ઈસ્ત્રી કરતા અને કપડાંને ગડી કરતાં નથી ફાવતું અને ગમતું પણ નથી.

ન ગમવાનું કારણ એ કે ઉપરના ત્રણ કામમાં થોડી ચીવટ અને ધીરજ રાખવી પડે એટલે એવા કામ ઓછાં ગમે. 

હવે વાત એમ છે કે ચા હું જ્યારે જાતે બનાવું છું ત્યારે હું કોઈ પણ માપ વગર, તપેલીમાં દૂધ જે કઈ વધ્યું હોય એ દૂધની ચા બનવું.

એટલે  અમુક વાર જો દૂધ ઓછું હોય તો ચા વધુ પડે અને દૂધ વધુ હોય તો ચા ઓછી પડે. એટલે જેટલી વાર ચા બનવું એટલી વાર એનો સ્વાદ અલગ જ હોય.

થઇ ને રોજ નવા સ્વાદ વાળી ચા ?

Monday, May 13, 2013

હૈયું, કટારી અને હાથ

સ્નેહનું પાણી શૂરનું પાણી,
પોતના પ્રચંડ પૂરનું પાણી,
હસતું રમતું રણમાં દીઠું,
સત અને સિન્દૂરનું પાણી,
વાહ રે ‘ઘાયલ’ કચ્છનું પાણી !

- અમૃત ઘાયલ 
અમૃત ઘાયલે લખેલી ઉપરની પંક્તિઓ કચ્છના પાણી ની વાત કરે છે. અહિયાં પાણી એટલે 'ખમીર' ની વાત છે. એવાં જ એક ખમીરવંત કચ્છી એટલે શ્રી જુવાનસિંહ જાડેજા. 

યુવાન વયે પી.એસ.આઈ તરીકે પોલીસખાતામાં જોડાઈને ડેપ્યુટી કમિશનર - ડી.એસ.પી તરીકે નિવૃત થનાર પહેલાં કચ્છી. અને એમની સાહસિક કારકિર્દી ગાથાનું વર્ણન એમણે 'હૈયું, કટારી અને હાથ'માં કર્યું છે.

સળંગ બે દિવસ વાંચીને પૂરું કરી નાખ્યું એટલું રસપ્રદ એમનું લખાણ છે. આ ગાથાનું સંકલન એમના પત્ની શ્રી અરુણા જાડેજાએ કર્યું છે - જેમની કૃતિઓ મેં 'જનકલ્યાણ' અને 'પથ અને પ્રકાશ'માં અગાઉ ઘણી વાર વાંચેલી .

પુસ્તક વાંચીને અને એમની નીડરતા, આત્મવિશ્વાસ અને મનોબળની વાતો સાંભળીને દરેક વાચક ને એમને સલામ કરવાની ઈચ્છા થઇ આવે.

આજે જ્યારે ઠેર ઠેર પોલીસખાતાને વગોવાય છે ત્યારે આ પુસ્તક વાંચીને દરેક ને ખબર પડશે કે પોલીસને વાગોવવી સહેલી છે પણ એ લોકો જે પ્રકારનું કામ કરે છે, જે પરિસ્થિતિઓ નો સામનો કરે છે, ખડે પગે ઉભા રહીને દિન-રાત આપણને શાંતિથી સુવા દે છે અને આ બધું કરવામાં એ એમના ખુદના પરિવારને સમય નથી આપી શકતા એ જાણીને આપણને પોલીસખાતાને સલામ કરવાની ઈચ્છા થઈ આવે.

પુસ્તકમાં જેમ એમના પત્નીએ લખ્યું છે એમ -
લોકો તો હાલતા જાય અને હડસેલો મારતા જાય. 'હલકું નામ હવાલદાર'નું એવી અફવા ફેલાવતા જાય. પણ એ હલકા નામને વેઠવી પડતી હાડમારીની કોઈને જાણ છે ખરી? એ હવલદારના ઘરવાળાનાં શા હાલહવાલ છે તેની કોઈને પડી છે ખરી? સાચી વાત, ખુદ આ લખનાર ઘરવાળીનેય ક્યાં કશી ખબર હતી ? નથી રે પીધાં જાણી જાણી, ઝેર તો પીધાં અણજાણી. હાથે કરીને તે કોઈ આવા ભમ્મરિયા કૂવામાં કૂદતું હશે ? આ તો માંહી પડ્યા તે મહાદુઃખ પામે તેમાંનું છે !
આ પોલીસાણીએ કોઈ સામાજિક કે કૌટુંબિક પોલિસી ઉતરાવેલી હોતી નથી. સહિયારા જીવનના લીધેલા શપથ એકલપંડે જ નિભાવવાના હોય છે. છતે ધણીએ ન-ધણિયાતા થઈને રહેવું શેં ? સહેવું તે શેં ? અને મહાલવું તે શેં ? બધા જ અવસર સાર વગરના. દીકરા-દીકરીની સગાઈ ટાણે કે મકાનના વાસ્તુટાણે પતિદેવની હાજરી માટે કેટકેટલીય બાધાઆખડી રાખવી પડે. એ પછી આ અભાગણીનાં ભાગ ખૂલે તો તેઓ પ્રગટ થાય. એટલો વળી પાડ માનવાનો કે પોતાના લગ્નનું મુરત સાચવી જાણે નહીં તો ખાંડુ મોકલતા એમને શી વાર….
..................
 સાજેમાંદે પતિદેવની ગેરહાજરી અચૂક સાલે. દીકરો ક્યારે ઊઘલ્યો અને દીકરીઓ એક પછી એક ક્યારે વળાવી, ક્યારે કોઈ દવાખાને દાખલ થયું, ક્યારે કોઈ ઘરે આવ્યું કે ક્યારે કોઈ સીધું જ સિધાવ્યું ! એ બધું જ એમની ફરજપરસ્તીમાં વહી ગયું. મંજૂર થયેલી રજા એન મોકા પર જ નામંજૂર થાય. કપરો સમય કઠણ કાળજે આ પોલીસાણીને એકલા જ કાઢવાનો આવે. અઠવાડિયાના પરચૂરણ વાર તો સમજ્યા મારા ભાઈ પણ રવિવાર જેવા રવિવારમાં ભલીવાર નહીં.
...................
પહેલાના વખતમાં બૉંબાર્ડિંગ થતું હોય, શહેર આખું ને આખું ખાલી થતું હોય, વેરાન વગડામાં આવેલી બંગલીમાં નાનાં બાળબચ્ચાં સાથે એકલું કેમ રહેવાય, તો પતિને આવા કપરા ટાણે એકલા મૂકીને કેમ જવાય ? જીવીશું-મરીશું સાથે જ. ખૂનખાર ધાડપાડુઓનાં કોતરોમાં આવેલ સાવ અંતરિયાળ એવા ગામ પર ત્રાટકવાની પૂરી તૈયારી કરીને સાહેબ નીકળી પડ્યા છે. એમની પૅન્ટ સાથે પટ્ટો પણ હતો અને પટ્ટા સાથે રિવૉલ્વરનું કેસ પણ લટકતું હતું પણ આ શું ? અંદરની રિવૉલ્વર તો ઘરે ટેબલ પર જ મોં વકાસતી રહી ગઈ છે ! જરા વિચારી જુઓ કે એ અર્ધાંગનાને માથે કેવા કેવા અમંગળ વિચારો ઘેરાયા હશે ? શહેરમાં હુલ્લડો ફાટી નીકળ્યાં હોય, સળગતા કાકડા ફેંકાતા હોય, પથ્થરમારો ચાલુ જ હોય, સામસામે ગોળીબાર થતા હોય અને ત્યારે ભરપચીસીમાં તરવરતો કોક કર્તવ્યપરાયણ પોલીસવાળો સામા ઘા ઝીલતો ફના થાય છે. ઘોડિયામાં રમતા બાળક સાથેની માંડ વીસીએ પહોંચેલી ગામડાગામની એ વિધવાની તે શી હાલત ?
હા,  એટલું ખરું કે પોલીસખાતા ની આજે જે છાપ ઉભી થઇ છે એમાં ભ્રષ્ટાચાર જવાબદાર છે. પણ એ ભ્રષ્ટાચાર સરકારી દરેક ખાતામાં ફેલાયેલો છે અને કદાચ પોલીસખાતા કરતા પણ વધારે. ફરક બસ એટલો જ છે કે પોલીસ ભ્રષ્ટાચાર કરે એ આપણને વધુ ખટકે છે કારણ કે એમાં 'આપણને ખાસ કઈ મળતું નથી'.

માનનીય શ્રી જુવાનસિંહ સાહેબ ની સચ્ચાઈને અને માણસાઈની કથા વાંચીને આપણને ફરી એકવાર પોલીશ્ખાતામાં વિશ્વાસ મુકવાની પ્રેરણા મળે છે. 

વીનેશ અંતાણી લખે છે એમ પોલીસખાતાની આડત્રીસ વર્ષોની લાંબી કારકિર્દી એક પણ ડાઘ વિના પૂરી કરવી એ નાનીસુની વાત નથી. પણ અંતરાત્માનો અવાજ સાંભળી અને સાચી-ખોટી વાત ને પારખી યોગ્ય નિર્ણય લેવો એ એક ખરા મર્દ ની નિશાની છે. 

હું ફરી એક વાર આ બ્લોગ ના માધ્યમથી માનનીય શ્રી જુવાનસિંહજી ને અને એમના પત્ની શ્રી અરુણા જાડેજા ને આ પુસ્તક પ્રગટ કરવા માટે આભાર માનું છું અને આવા ખમીરવંત અને નીડર તેમજ જાડેજા હોવાને નાતે મારા વડીલ એવા શ્રી જુવાનસિંહજી ને વંદન કરું છું.

અને છેલ્લે, આ પુસ્તકનું નામ જે મેઘાણી ની કૃતિ સોરઠ, તારા વહેતાં પાણીમાં થી લીધેલ છે એ પંક્તિઓ :

કંથા રણમાં પેઠકે , કેની જોવે વાટ;
સાથી તારાં ત્રણ છે. હૈયું કટારી હાથ.

આ બ્લોગ પોસ્ટ લખવા માટે લીધેલા રેફરન્સ ની લિંક્સ :

  1. www.divyabhaskar.co.in/article/MAG-one-police-officer-word-security-4189900-PHO.html
  2. http://www.readgujarati.com/2011/04/10/kutch-pani/
  3. http://www.readgujarati.com/2013/01/01/hamro-dard/
  4. http://gu.wikisource.org/wiki/%E0%AA%B8%E0%AB%81%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B7%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8B:%E0%AA%95

મારા વહાલા બાળકોને - ૬ અને ૭

મારા વહાલા બાળકો, હેપી બર્થ ડે. ભગવાન તમને ખુશ રાખે અને તમારી ઈચ્છાઓ પૂરી કરે એવા આશીર્વાદ. મારી આળસને કારણે ગયા વર્ષે તમારા જન્મદિવસ પર આ લ...