લોકો તારો પ્રેમ મુજને પામવા દેતા નથી,
તારા કાગળ મારી પાસે રાખવા દેતા નથી !
ઝેર પીનારને એ લોકો બચાવી જાય છે,
જીવવા ઈચ્છનારને એ જીવવા દેતા નથી !
ચર્ચ, મંદિર, મસ્જિદોમાં જાય સહુ ખેંચી મને,
તુ ચરાચરમાં છે એવું માનવા દેતા નથી !
હું કરું દિવો તો એ લોકો હવા થઈ જાય છે,
શ્વાસ લઉ છું તો હવાને આવવા દેતા નથી !
ખાત્રી છે કે થશે વટવૃક્ષ મોટું પ્રેમનું,
પણ, મને સહુ છોડ નાનો રોપવા દેતા નથી !
આ ગઝલ મારી છે એવું સહુ ઠસાવે છે મને,
પ્રેરણા તારી છે એ સમજાવવા દેતા નથી !
-કિરીટ પરમાર