Sunday, April 2, 2017

में उस सोसायटी की चोली क्या उतारूंगा जो पहलेसे ही नंगी हे ?

સઆદત હસન મંટો. આ નામ મેં ઘણી વાર મોટા ગજાના લેખકો પાસે સાંભળેલું, પણ નસીબ જોગે આજ સુધી એમની વાર્તાઓ નથી વાંચી - એ મારું કમનસીબ. 

પણ આજે દિવ્યભાસ્કરની રસરંગ પુરતીમાં રાજ ગોસ્વામીએ એમની કોલમ "બ્રેકીંગ ન્યુઝ"માં મંટો વિષે જે માહિતી આપી એ ખુબ જ ગમી. અને એ પછી જાણવા મળ્યું કે મંટો પર એક ફિલ્મ નંદિતા દાસ બનાવી રહ્યા છે અને એમાં મંટોનું પાત્ર નાવાઝુદ્દીન સિદ્દીકી નિભાવી રહ્યા છે. સહેજ પણ વિલમ કાર્ય વગર મેં એ ફિલ્મનું ૬ મીનીટનું ટ્રેલર યુટ્યુબ પર જોયું. એઝ યુઝવલ, નાવાઝુદ્દીન ની એક્ટિંગ વખાણવાલાયક છે. 

ટ્રેલર અને પછી દિવ્યભાસ્કરમાં પ્રકાશિત રાજ ગોસ્વામી દ્વારા લખાયેલ લેખ.


મંટો: સફેદ ચોકથી બ્લેક બોર્ડ ઉપર લખાયેલું નામ

સઆદત હસન મંટો (સઆદત એટલે સજ્જન, હસન એટલે સુંદર અને મંટો એટલે વજનદાર)ની ગણતરી એવા કહાનીકારોમાં થાય છે જેણે સમયથી પહેલાં એવી રચનાઓ લખી હતી જેની ગહેરાઇને સમજવાની કોશિશ હજુ પણ જારી છે. ગાલિબ માટે કહેવાય છે કે જેને ગાલિબના શેર આવડતા ન હોય એ ગૂંગો કહેવાય. એવી જ રીતે જેણે મંટો વાંચ્યો ન હોય એ અભણ કહેવાય. 43 વર્ષના ટૂંકા જીવનમાં 22 ટૂંકી વાર્તાઓ, પાંચ રેડિયો નાટક, ત્રણ નિબંધ, પાંચ વ્યક્તિ ચરિત્ર અને બેશુમાર ફિલ્મ પટકથાઓ મૂકી જનાર મંટોને પરંપરા તથા રિવાજથી હટીને રચનાઓ આપનાર લેખક તરીકે દુનિયા જાણે છે.

મંટો જ્યારે લખતો હતો ત્યારે ન તો એને સાહિત્યકાર ગણવામાં આવ્યો હતો કે ન તો ભાષાનો જાણકાર. એની ખાસ્સી અવહેલના થઇ હતી, અને અશ્લીલતા બદલ સરકારે છ વખત (બ્રિટિશ રાજમાં ત્રણ વખત, વિભાજન પછી ત્રણ વખત) એના ઉપર કેસ કર્યો હતો. એના જન્મનાં 100 વર્ષ પછી (જન્મ તારીખ: 11 મે, 1912) મંટો ઉર્દૂ જ નહીં, ભારત અને પાકિસ્તાન જ નહીં પરંતુ વિશ્વ સાહિત્યના ટોચના સર્જકોમાં દક્ષિણ એશિયામાંથી સમાઇ શકે એવા એક માત્ર નામ તરીકે સ્થાપિત થઇ ગયો છે. જીવતે જીવ એની શા માટે અવગણના થઇ તેની અને એની પજવણી થઇ તેની પાછળ સમકાલીન ઉર્દૂ લેખકો કેટલી હદે જવાબદાર હતા એ વિષય ઉપર કોઇએ કંઇ લખ્યું-વિચાર્યું નથી.

એ એક સુંદર અભ્યાસનો વિષય બની શકે છે. છેલ્લાં વીસેક વર્ષમાં મંટોની કદર બહુ થઇ છે અને એના ઉપર ખૂબ લખાય છે, વંચાય છે તથા વિચારાય છે. એનો વિશ્વાસ અને સાહસ જુઓ. મંટો લખે છે, ‘સમયના જે દૌરમાંથી આપણે અત્યારે પસાર થઇ રહ્યા છીએ, એનાથી તમે જો વાકેફ ના હો તો મારી કહાની વાંચો. તમે જો એ કહાનીઓ બર્દાશ્ત ન કરી શકતા હો તો એનો મતલબ એ થયો કે આ સમય પણ બર્દાશ્ત કરવાને કાબિલ નથી. મારામાં જે ખરાબી છે, તે આ વક્તની ખરાબી છે. મારા લખાણમાં કોઇ કમી નથી. જે કમીને મારા માથે મારવામાં આવે છે તે દરઅસલ પ્રવર્તમાન વ્યવસ્થાની કમી છે.

હું બબાલ કરવાવાળો નથી. જે સમાજ નાગો જ છે એનાં કપડાં હું શું ઉતારવાનો હતો. હું એને કપડાં પહેરાવતો નથી, કારણ કે એ મારું કામ નથી.’ લેખકો તો બહુ હોય છે, પણ અમુક જ લેખકો મહાન કેમ થઇ જાય છે? કારણ એ કે જે લખાણ કે વિચાર સમકાલીનતા (પર્સનલ)માંથી નીકળીને સર્વકાલીન (યુનિવર્સલ) બની જાય ત્યારે એ પૂરા સમાજ કે સમયનું સત્ય બની જાય છે. ફ્રેન્ચ નવલકથાકાર માર્સેલ પ્રાઉસ્ટે કહ્યું હતું કે, ‘નવલકથા વાંચવાવાળો દરેક વાચક વાસ્તવમાં પોતાની જ જિંદગી વાંચતો હોય છે.’

એક સાહિત્યિક રચનાનું મહત્ત્વ એની અંદરનાં પાત્રો અને લાગણીઓ પૂરતું મર્યાદિત નથી. એનું મહત્ત્વ એ હકીકતમાં છે કે એને વાંચવાવાળાને એવું લાગે કે આ મારી ભાવનાની વાત છે. મંટો આ દૃષ્ટિએ પર્સનલ સ્પેસમાં યુનિવર્સલ પ્રતિબિંબ ઝીલે છે, અને એટલે જ એની ગણના મહાન અને પ્રાસંગિક લેખકોમાં થાય છે. એટલા માટે જ મંટોના મૃત્યુનાં 60 વર્ષ પછી (મૃત્યુ તારીખ 18 જાન્યુઆરી 1955) એક્ટર-નિર્દેશક નંદિતા દાસ મંટો પર બાયોપિક બનાવી રહી છે, જે મે મહિનામાં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં રજૂ થઇ રહી છે. નવાજુદ્દીન સિદ્દીકી એમાં સઆદત હસન મંટોની ભૂમિકા કરે છે.

નંદિતા દાસે આ ફિલ્મનો છ મિનિટનો વિડિયો રિલીઝ કર્યો છે જેમાં સફેદ કુર્તો-પાયજામો અને આંખ પર ચશ્માં પહેરેલો ‘મંટો’ એક ક્લાસરૂમમાં અભિવ્યક્તિની આઝાદી પર વાત કરી રહ્યો છે. આ ક્લિપમાં નવાજુદ્દીન સિદ્દીકી મંટોના કિરદારમાં સશક્ત તો લાગે જ છે, પરંતુ એથીય મજબૂત તો એનું એ ક્લાસરૂમ ભાષણ છે જે એણે એના તત્કાલીન સમાજમાં એની વ્યક્તિગત ભૂમિકાને લઇને આપ્યું હતું, પરંતુ એની એ વાત આજે 2017માં દેશ અને દુનિયામાં વિચારો અને અભિપ્રાયો સામે જે અસહિષ્ણુતા છે તેમાંય એકદમ પ્રાસંગિક છે.

સામાજિક અન્યાય અને એકાધિકારવાદના વિરોધમાં અને જનતાંત્રિક વ્યવસ્થાના સમર્થનમાં લખી-વિચારીને વિશ્વમાં મશહૂર થઇ જનાર અંગ્રેજ લેખક જ્યોર્જ ઓરવેલે (1903-1950) 1946માં ‘હું શા માટે લખું છું’ નામનો નિબંધ લખ્યો હતો. તેમાં એક સ્થાને ઓરવેલ લખે છે, ‘હું જ્યારે લખવા બેસું છું ત્યારે હું એવું નથી વિચારતો કે ‘હું કોઇ કલા-કૃતિ પ્રગટ કરી રહ્યો છું.’ હું એટલા માટે લખું છું કે મારે કોઇ જૂઠનો પર્દાફાસ કરવો છે, મારે કોઇક હકીકત તરફ (લોકોનું) ધ્યાન ખેંચવું છે. હું એટલા માટે લખું છું કે લોકો મને સાંભળે.’

આ જ્યોર્જ ઓરવેલે નાઇન્ટીન એઇટી ફોર (1984)માં લખ્યું હતું કે, ‘નિષ્પક્ષ સત્યનો સમય પૂરો થયો છે, અને જૂઠ અને અર્ધ સત્યનો ઇતિહાસ લખાશે.’ અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત પછી ઓરવેલની આ ચોપડીનું વેચાણ વધી ગયું છે તે બતાવે છે કે ઓરવેલ કેટલો પ્રાસંગિક છે. મંટોએ, ઓરવેલની જેમ જ, 1948ની આસપાસ ‘મૈં ક્યોં લિખતા હૂં’ નિબંધ લખ્યો હતો. અભિવ્યક્તિનો આ દસ્તાવેજ ત્યારેય કીમતી હતો, આજેય છે અને આવતીકાલે પણ રહેશે. વાંચો મંટો શું કહે છે.

‘હું એટલા માટે લખું છું કે મારે કંઇક કહેવાનું છે. હું લખું છું જેથી હું કમાઇ શકું અને કંઇક કહેવા કાબિલ રહું. સઆદત હસન મંટો ખુદા જેટલો મોટો કહાનીકાર અને શાયર તો નથી, પણ એની લાચારી એને લખાવે છે. ‘હું જાણું છું કે મારી શખ્સિયત બહુ મોટી છે અને ઉર્દૂ સાહિત્યમાં મારું નામ મોટું છે, પણ હકીકત એ પણ છે કે હું મારા મુલકમાં, જેને પાકિસ્તાન કહે છે, હું મારું ઉચિત સ્થાન મેળવી નથી શક્યો. આ કારણથી જ મારો આત્મા બેચેન રહે છે. હું ક્યારેક પાગલખાનામાં અને ક્યારેક ઇસ્પિતાલમાં રહું છું.

‘જે સમાજ ખુદ નાગો હોય એનાં કપડાં હું શું ઉતારવાનો હતો? હા, હું એને કપડાં ચઢાવવાનું કામ પણ નથી કરતો કારણ કે એ મારું કામ નથી. એ કામ દરજીનું છે. મારું કામ સફેદ ચોકથી બ્લેકબોર્ડ ઉપર લખવાનું છે, જેથી એની કાલિમા વધુ સ્પષ્ટ રીતે દેખાય.’ પેલા છ મિનિટના ક્લાસરૂમના વિડિયોમાં એ કાલિમા જોવા જેવી છે. જોજો.

મારા વહાલાં બાળકોને - ૫

મારા વાહલા બાળકો, બીલેટેડ હેપ્પી બર્થડે! આ પોસ્ટ તમને ઘણા વખત પહેલાં લખવાની હતી પણ, સમય નો અભાવ અને ખાસ કરીને આળસને લીધે આ પોસ્ટ રહી જ જતી હ...