Friday, December 28, 2012

બક્ષીનામા વિષે

હમણાં થોડી વાર પહેલાં જ (રાતે પોણા બે વાગે :-) ) ચંદ્રકાંત બક્ષી ની આત્મકથા 'બક્ષીનામા' પૂરી કરી. બક્ષીબાબુ ના જીવન વિષે ઘણું જાણવા મળ્યું અને એમના જેવા લેખક મેં ભાગ્યે જ જોયા/વાંચ્યા છે. એમના જીવનમાં વેઠેલી તકલીફો વિષે વાંચ્યું અને કઈ રીતે એમણે એ તકલીફો, વિશ્વાસઘાતી લોકો ને કઈ રીતે ટક્કર આપી એ વાંચી ને બક્ષીબાબુ ને સલામ કરવાની ઈચ્છા થઇ.

બક્ષીબાબુ ને વાંચવાની પ્રેરણા મને કાર્તિકભાઈ ના બ્લોગ પર થી મળી. કાર્તિકભાઈ નો બ્લોગ હું નિયમિત વાંચું છું અને એમના બ્લોગ પર અમુક બક્ષીબાબુ વિષે ની પોસ્ટ્સ વાંચેલી અને એ સાથે સાથે કાર્તિકભાઈ ની ઈચ્છાઓ માં પણ મેં વાંચેલું કે એમને બક્ષીબાબુ ના બધાં જ પુસ્તકો વસાવવા છે. ત્યારથી મને ચંદ્રકાંત બક્ષી વિષે જાણવાની ઈચ્છા થઇ. બક્ષીનામા લાવ્યો એના  દિવસો પહેલાં જ હું બક્ષીબાબુ નું પુસ્તક 'ચંદ્રકાંત બક્ષી ના ઉત્કૃષ્ઠ નિબંધો' લાવેલો. એમાં થી થોડા નિબંધો વાંચ્યા છે, થોડા બાકી છે. 

દરમિયાન હું ચંદ્રકાંત બક્ષી ની આત્મકથા ઘણાં વખત થી bookstores માં અને online stores માં શોધતો હતો પણ મને નો'તી મળતી. આ વિષે મેં કાર્તિકભાઈ ને પણ પૂછી જોયું જો એમની નજરમાં કોઈ store હોય તો. પણ બધે જ 'out of stock' હતી. પછી એક દિવસ અમદાવાદમાં આવેલ Himalaya Mall ના Crossword માં મને બક્ષીનામા દેખાય અને મેં કઈ પણ વિચાર્યા વગર ખરીદી લીધી :-)

ચંદ્રકાંત બક્ષી ની ઓળખાણ કરાવી આપવા માટે હું કાર્તિકભાઈ નો આભાર માનું છું અને હવે એક પછી એક બક્ષીબાબુ ના પુસ્તકો વસાવીને વાંચવામાં આવશે. :-)

કાર્તિકભાઈ નો બ્લોગ વાંચી ને બીજી એક પ્રેરણા પણ મન માં જાગી રહી છે - સવારમાં દોડવાની. નવા વર્ષની શરૂઆતમાં આ પ્રેરણા ને અમલ કરવાનો વિચાર છે. જોઈએ...

==================================================

બક્ષીનામા માં મને ગમેલા અમુક વાક્યો :


  • હું પુસ્તકોમાં જન્મ્યો નથી, પણ પુસ્તકો વચ્ચે મરીશ એ મને ખબર છે.
  • રક્તના સંબંધો નાનપણમાં હોય છે. મોટા થઈએ છીએ ત્યારે દિલના જ સંબંધો ટકે છે.
  • કોઈ પણ લેખક માટે રોજ ડાયરી લખવાથી વધીને કોઈ જ રિયાઝ, કોઈ જ પ્રેક્ટિસ, કોઈ જ મનોવ્યાયામ નથી.
  • એકલવ્ય નાનપણથી જ મારો આદર્શ રહ્યો છે. ગુરુ તમારો અંગુઠો કાપી લે છે, અને બદલામાં તમારે એની પગચંપી કરી આપવી પડે છે.
  • હું જાતપાતમાં માનતો નથી પણ ખુદી, ખુદ્દારી, ખુમારી, ખાનદાનીમાં માનું છું.
  • તરતાં, ઘોડેસવારી કરતાં, રોટલી બનાવતાં, કિસ કરતાં તમને કોઈ શીખવતું નથી, તમારે જ શીખવું પડે છે. લખવું પણ તમારે જ શીખવું પડે છે.
  • વ્હિસ્કીના બે પેગ પી જવાથી સાહિત્ય બનતું નથી. સાહિત્ય જિંદગીભરની ઘૂટનમાંથી ફાટતું હોય છે.
  • પુરુષને પણ એક પિયર હોય છે. જ્યાં ફૂટપાથ પરનો તડકો ઓળખે છે, ગલી હશે છે, દરવાજો ખબર લે છે, દીવાલો તબિયત પૂછે છે, સોફાનું ફાટેલું કવર જોઇને આપણી આંગણીઓ પર ખુશી ની કસકમાં જરા બીડાઈ જાય છે... કારણ કે એ આપણું કારનામું છે.
  • અમારી પેઢી પર ગાંધીવાદ નો બહુ મોટો અભિશાપ રહ્યો છે. સેક્સના દમનને લીધે ગાંધી અસર નીચે આવેલા માત્ર માનસિક વિકલાંગો નહિ પર દોષી, રુગ્ણ અર્ધ-માનવીઓ બનીને રહી ગયા છે. ખાદીના એમના કધોણાં પડી ગયેલાં વસ્ત્રોની પાછળથી એમના શરીરોમાની દમિત સેક્સની વાસી બૂ આવતી રહી છે. મારા સદભાગ્યે હું જીંદગીમાં બહું નાની ઉમરે સમજી ગયો હતો કે ગાંધીજી સેક્સ ની બાબતમાં તદ્દન બેવકૂફ વિચારો રાખતા હતા. જેમ જૈનોએ એમના મહાન ધર્મને રસોડામાં બંધ કરી દીધો છે એમ ગાંધીજીએ મનુષ્યના સેક્સ્જીવાનને ઝાડ પર બેઠેલા વાંદરાના સેક્સ્જીવનની કક્ષામાં ચડાવી દીધું હતું. અઢાર વર્ષના છોકરા કે છોકરીની બાયોલોજી પણ ન સ્વીકારવાની ગાંધી હઠનો કોઈ જ બચાવ થઇ શકે તેમ નથી.
  • લેખક વાંચતો રહે તો એના દિમાગમાંથી તણખા ઊડતા રહે છે. લખવા માટે વાંચવું જરૂરી હોય છે...  અને જીવવું જરૂરી હોય છે. ગયા ભવમાં પુણ્ય કર્યા હોય તો જ લેખક વાંચ્યા વિના લખી શકે છે!
  • ધૂમકેતુ, રમણલાલ દેસાઈ, મેઘાણી માટે નાનપણથી આદર હતો, હજી એટલો જ છે. જ્યારે ગુજરાતીમાં લખવા માટે ભિખારી ને અપાતી ભીખ કરતાં ઓછો પુરસ્કાર મળતો હતો ત્યારે આ મહાગુજરાતીઓ એ લોકોનીભાષામાં, લોકોને માટે લખ્યુ. ગુજરાતી ભાષાને એક ઊંચાઈ બક્ષી અમર થઇ ગયા.એમણે ખેડેલી કર્મભૂમિ પર આજે અમે ચરી ખાઈએ છીએ.
  • ચિતા પર સળગતી લાશ અને ગર્ભમાં બંધાતા પીંડ વચ્ચે નો સેતુ મારી ગુજરાતી ભાષા છે.
  • પશ્ચિમના સમાજમાં ફેઈથ એક પ્રશ્ન છે, આપણા સમાજમાં મુરબ્બીઓ, સગાઓ, આપ્તજનો, પરિવાર જ નક્કી કરી આપે છે. આપણે કયા ઈશ્વર સામે માથું ઝુકાવવાનું છે, કયા પાપ કરવાના છે, કયા પુણ્ય કમાવાના છે, શું ખાવાનું છે, શું પીવાનું છે, ફરાળી ઉપવાસ કરવાનો છે કે એકાસણું કરવાનું છે કે રોજો રાખવાનો છે! પસંદગી અથવા ચોઈસની નીવ પર પશ્ચિમી જવાન ઊભો છે. આપણા સુખી ગુજરાતી સમાજમાં પપ્પાની પોસ્ટ ઓફીસ જેવી ધનના ઢગલા કરતી ઓફીસ કે દુકાનમાં બેસી જવાનું છે. મમ્મીએ નક્કી કરી આપેલી ગોરી ગોરી એનેમિક છોકરીને પરણીને એટલીસ્ટ બે ગોરા છોકરાઓ અને એ પૈદા કરતા કરતા જેટલી છોકરીઓ પૈદા થઇ જાય એટલી છોકરીઓ પૈદા કરવાની છે, અને 'ધર્મ કરશે તે તરશે' સિદ્ધાંત પ્રમાણે ધર્મ કરતા કરતા તરતા રહેવાનું છે... ડાહ્યા ગુજરાતી છોકરાની ઘણીખરી જવાની મમ્મીપપ્પા જ જીવી આપે છે. એને એટલી તકલીફ ઓછી.
  • અમારો અભિગમ સ્પષ્ટ છે, હેરકટિંગ સલૂન પણ ખોલવી હોય તો જરૂર ખોલો. પણ પ્રોફેશનલની જેમ ચલાવો. કામચોરી નહિ કરવાની, ઈમાનદારી રાખવાની, સારામાં સારા દોસ્ત અને ખરાબમાં ખરાબ દુશ્મન થવાનું. જોષીએ જન્મકુંડળી ચીતરી આપી છે એમ જીવન નહિ જીવવાનું, પણ દર બેચાર વર્ષે જોષીને એનો ચોપડો ખોલીને સુધારાવધારા કરવા પડે એવું જીવવાનું. ફેંકાતા રહેવામાં પણ એક મૌજ છે એવું હું માનું છું. ફેંકતા રહેવાનું, પછડાતા રહેવાનું, ઊભા થતા રહેવાનું, ફેંકાતા રહેવાનું ... 
  • ચીકન, મટન, પોંર્ક, માછલી ખાવાની મજા આવે છે... માણસ દુનિયા માટે નહિ, પોતાને માટે ખાય છે.
  • ભગવાનના સાન્નિધ્યમાં જવાનો અને ગર્દન ઝુકાવવાનો દરેક ને હક છે. આ બાબતમાં જૈનો અને હિંદુઓ જ થોડા મૂર્ખ છે. ગોરા ગોરા ચામડાવાળા યુરોપિયનને ઝૂકી ઝૂકીને મંદિર બતાવે અને હિંદુ હરિજનને બહાર ઊભો રાખે એ મંદિર ધર્મસ્થાન નહિ પણ અધર્મસ્થાન છે.
  • બેકારી એટલે એવા દિવસો જેનો સફળ થયા પછી ગર્વ લઇ શકાય. બીજાઓને દ્રષ્ટાંતો આપી શકાય.
  • ગુજરાતી માટે પૈસા કમાવા એ ધર્મ અને વિર્યતાથી વિશેષ છે.
  • નોકરીઓ ઘણી હતી, લાયક માણસો મળતા ન હતા. અને નાલાયક માણસને લાયક બનવા માટે અનુભવ જોઈએ છે. અને અનુભવ કે ગોડફાધર વિના નોકરી મળતી નથી.
  • મર્દ ને મેક-અપ કેવો ?
  • મને લાગે છે હું 1957માં જ ગુજરાતી સાહિત્યના બ્લેક લિસ્ટ પર મુકાઈ ગયો. પણ પહેલા દિવસથી મેં નક્કી કર્યું હતું કે આ સાહિત્યમાં, મારી ગર્ભભાષાના સાહિત્યમાં જો મારે જીવવું છે તો મારા વાચકની આશીક્દીલી અને દરિયાદિલી પર જીવવું છે, કોઈ વૃદ્ધ ઉલ્લુ કે મધ્યવ્યસ્ક લલ્લુની દંભી મહેરબાની પર જીવવું નહિ.
  • પ્રકાશક મારે માટે એ વ્યક્તિ છે જે હું મરી જઈશ ત્યારે મારી રોયલ્ટીનો ચેક મારા પરિવારને પ્રતિમાસ પહોચાડતો રહેશે.
  • હું હંમેશા સાહિત્યનો શ્રમિક, સાહિત્યનો મઝદૂર જ રહ્યો છું. હું સાહિત્યનો પ્રોફેશનલ છું. મરીશ ત્યાં સુધી લખીશ... અથવા મારા વાચકો ફેંકી દેશે ત્યાં સુધી લખીશ. અથવા જ્યારે ગુજરાતી સાહિત્ય માં મને જીવવા જેવું નહિ લાગે ત્યારે લખવું બંધ કરી દઈશ ...
  • મધ્યવર્ગીય ગુજરાતી પુરુષ દુવીધાના એક મોડ પર આવીને ઊભો રહી જાય છે જ્યારે એ લગ્ન કરે છે. આ આપણી ચિરંતન સમસ્યા છે, એક તરફ માતા છે, બીજી તરફ પત્ની છે. 
  • મારે પરિવારથી વધીને કોઈ વિશ્વ નથી અને શોખથી જીવાતા જીવનથી વધીને બીજી કોઈ કલા નથી...
  • મૌજ કરો, વિરોધીને અદેખાઈ થઇ જાય એટલી બધી મૌજ કરો. બસ. વેર લેવાનો એ શ્રેષ્ઠ માર્ગ છે.
  • હું જીવનભર લક્ષ્મી નો દાસ રહેવાને બદલે સરસ્વતીનો ઉપાસક રહ્યો છું.
  • પણ કાલે કદાચ જમણા હાથની આંગળીઓ કપાઈ જાય તો ? જીવનને એ જ લગાવ, એ જ પ્યારથી ડાબા હાથે જીવીશ.
  • અને જિંદગીમાં એવો દિવસ આવે છે જ્યારે તમારા મારી ગયેલા દોસ્તોની સંખ્યા જીવતા દોસ્તોની સંખ્યા કરતા વધી જાય છે.
  • જેણે ગયા ભવમાં ભરપૂર પુણ્ય કર્યા હોય છે એને જ આ ભવમાં પુત્રી મળે છે...

મારા વહાલા બાળકોને - ૬ અને ૭

મારા વહાલા બાળકો, હેપી બર્થ ડે. ભગવાન તમને ખુશ રાખે અને તમારી ઈચ્છાઓ પૂરી કરે એવા આશીર્વાદ. મારી આળસને કારણે ગયા વર્ષે તમારા જન્મદિવસ પર આ લ...