રાત આખી જાગવા જેવી હતી,
એક વ્યક્તિ ચાહવા જેવી હતી.
ઉમ્રભર એને કદી આપી નહી,
એક વસ્તુ આપવા જેવી હતી.
છોકરો દોડ્યા કર્યો હરણાની જેમ,
છોકરી પણ ઝાંઝવાં જેવી હતી.
આપણે છીએ કે નીચું ના નમ્યા,
વાત એની ત્રાજવા જેવી હતી.
માત્ર આંસુઓ જ જોયાં છે તમે,
આંખ એની વાંચવા જેવી હતી.