Monday, June 15, 2009

હસતો રહ્યો

જીત પર હસતો રહ્યો ને હાર પર હસતો રહ્યો,
ફૂલની શૈયા ગણી અંગાર પર હસતો રહ્યો.

ઓ મુસીબત ! એટલી ઝિંદાદિલીને દાદ દે :
તેં ધરી તલવાર, તો હું ધાર પર હસતો રહ્યો !

કોઈના ઈકરાર ને ઈન્કાર પર હસતો રહ્યો,
જે મળ્યો આધાર એ આધાર પર હસતો રહ્યો.

કોઈની મહેફિલ મહીં, થોડા ખુશામદખોરમાં
ના સ્વીકાર્યું સ્થાન, ને પગથાર પર હસતો રહ્યો.

ફૂલ આપ્યાં ને મળ્યા પથ્થર કદી, તેનેય પણ
પ્રેમથી પારસ ગણી દાતાર પર હસતો રહ્યો.

જીવતો દાટી કબરમાં એ પછી રડતાં રહ્યાં;
હું કબરમાં પણ, કરેલા પ્યાર પર હસતો રહ્યો.

નાવ જે મઝધાર પર છોડી મને ચાલી ગઈ-
એ કિનારે જઈ ડૂબી, હું ધાર પર હસતો રહ્યો.

ભોમિયાને પારકો આધાર લેતો જોઈને,
દૂર જઈ એ પાંગળી વણઝાર પર હસતો રહ્યો.

- જમિયત પંડ્યા

વાંચતા વેંત જ પાનો ચડી આવે એવી આ ખુમારીથી નિતરતી આ ગઝલના પહેલા બે શેર વારંવાર મુક્તક તરીકે ટંકાતા જોવા મળે છે.


Source : www.layastaro.com

મારા વહાલા બાળકોને - ૬ અને ૭

મારા વહાલા બાળકો, હેપી બર્થ ડે. ભગવાન તમને ખુશ રાખે અને તમારી ઈચ્છાઓ પૂરી કરે એવા આશીર્વાદ. મારી આળસને કારણે ગયા વર્ષે તમારા જન્મદિવસ પર આ લ...